ગાંધીનગર.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને નવી સરકારે શપથ ગ્રહણ પણ કરી લીધા છે. આ સિવાય 15મી વિધાનસભામાં ચૂંટાયેલા 182 સભ્યોને શપથ અપાવવા માટે યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. એવામાં આગામી 20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળવા જઈ રહ્યું છે.
આગામી 20મી ડિસેમ્બરે યોજાનારા ગુજરાત વિધાનસભાના સત્રની પ્રથમ બેઠક પર વિધાનસભાના અધ્યક્ષની અને પછી ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.
જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલનું સંબોધન હશે. જે બાદ સરકારી વિધેયક પર ચર્ચા કરવામાં આવશે અને સરકારી કામકાજ બાબતે ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે, નવા મંત્રી મંડળ સાથેનું આ પ્રથમ વિધાનસભા સત્ર હશે.
આગામી 19 અને 20 ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહેશે. વિધાનસભામાં તેમના શપથ ગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટાયેલા યોગેશ પટેલ તમામ જીતેલા ધારાસભ્યોને વિધાનસભાના પ્રોટેમ સ્પીકરના રૂપમાં શપથ અપાવશે.
જો વિધાનસભાના અધ્યક્ષની વાત કરીએ તો, રમણલાલ વોરા, શંકર ચૌધરી અને ગણપત વસાવાના નામ ચર્ચામાં છે. રમણલાલ વોરા અને ગણપત વસાવા અગાઉ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યાં છે. એવામાં વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બનશે? તે જોવું રહ્યું.