GSRTC Online Booking Record: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટ બુકિંગમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. તહેવારોની ભીડ વચ્ચે GSRTCએ 11 નવેમ્બર, 2026ના રોજ ઓનલાઈન ટિકિટ બુકિંગનો નવો વિક્રમ નોંધાવ્યો હતો. જોકે, આ રેકોર્ડ માત્ર 24 કલાક જ ટક્યો હતો અને બીજા જ દિવસે એટલે કે 12 નવેમ્બરે બુકિંગ તથા આવકના તમામ જૂના આંકડા તૂટી ગયા હતા.
24 કલાકમાં જ પોતાનો જ રેકોર્ડ તોડ્યો
નિગમના આંકડા મુજબ, 11 નવેમ્બરે ભાઈબીજના દિવસે મુસાફરોએ કુલ 1,46,875 બેઠકો ઓનલાઈન બુક કરાવી હતી, જેનાથી નિગમને ₹3.55 કરોડની આવક થઈ હતી. તેના બીજા દિવસે 12 નવેમ્બરે બુકિંગનો આંકડો વધીને 1,50,010 બેઠકો પર પહોંચી ગયો હતો અને આવક ₹3.64 કરોડ નોંધાઈ હતી. માત્ર એક દિવસના ગાળામાં 3,135 વધુ બેઠકો બુક થઈ અને આવકમાં ₹9.38 લાખનો સીધો વધારો થયો. આમ, માત્ર 48 કલાકમાં GSRTCની કુલ ઓનલાઈન આવક ₹7.1 કરોડને પાર થઈ ગઈ છે.
મોબાઇલ એપ દ્વારા બુકિંગમાં ઐતિહાસિક ઉછાળો
મુસાફરોમાં GSRTCની મોબાઇલ એપનો ક્રેઝ સતત વધી રહ્યો છે. 11 નવેમ્બરે મોબાઇલ એપ મારફતે 99,402 બેઠકો બુક થઈ હતી, જેનાથી ₹2.26 કરોડની આવક મળી હતી. 12 નવેમ્બરે એપ દ્વારા થતા બુકિંગે એક લાખની સપાટી વટાવીને 1,00,283 બેઠકોનો આંકડો સ્પર્શ્યો હતો, જેનાથી ₹2.30 કરોડની આવક થઈ હતી.
સતત 7મા વર્ષે દેશમાં 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું ગૌરવ
રાજ્યમાં જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની આ એક મોટી જીત છે. મોબાઇલ એપ અને ઓનલાઈન બુકિંગના કારણે મુસાફરોને લાઈનમાં ઊભા રહ્યા વિના સરળતાથી ટિકિટ મળી રહી છે. સતત સાતમા વર્ષે દેશભરના તમામ રાજ્ય પરિવહન નિગમો (STU)માં સૌથી વધુ ઓનલાઈન બુકિંગ અને આવક મેળવીને ગુજરાત 'નંબર 1 એસ.ટી.યુ.' બન્યું છે. આ સિદ્ધિ બદલ નિગમે તમામ મુસાફરોનો આભાર માન્યો છે.
