હવે સસ્તી અને આરામદાયક સફર; GSRTCની AC-વોલ્વો બસોના ભાડા ઘટ્યા, જાણો નવું ભાડું અને રૂટની વિગત

GSRTCએ અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત રૂટની પ્રીમિયમ AC અને વોલ્વો બસોના ભાડામાં મોટો ઘટાડો કર્યો છે. જાણો નવી કિંમતો અને સુવિધાઓ વિશે સંપૂર્ણ અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 16 Jun 2026 04:55 PM (IST)Updated: Tue, 16 Jun 2026 04:55 PM (IST)
gsrtc-ac-volvo-bus-fare-reduction-gujarat-news

GSRTC Bus Fare Reduction: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના હાઈ-વે અને એક્સપ્રેસ-વે પર દોડતી પ્રીમિયમ AC અને વોલ્વો બસોના ભાડામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે હવે સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો ઓછા ખર્ચે લક્ઝુરિયસ મુસાફરીનો આનંદ માણી શકશે.

જાણો મુસાફરોએ શું કહ્યું

GSRTC બસનો લાભ લેતા મુસાફરોએ સરકારના આ પગલાંને આવકાર્યું છે. સાથે જ ઓછા ભાડાંમાં ઘણી સારી સુવિધા મળે છે તેનો આનંદ વ્યક્ત કરી રહ્યાં છે. તો અન્ય એક મુસાફરે જણાવ્યું કે, ઓછાં ભાડાંને કારણે લોકો આવી ગરમીમાં AC તેમજ વોલ્વો બસનો લાભ લઈ શકે છે. અને આરામદાયક મુસાફરીને પગલે લોકોને થાક પણ ઓછો લાગે છે સમયમાં પણ બચત થાય છે.

naidunia_image

ભાડામાં કેટલો ઘટાડો થયો?

  • અમદાવાદ-ભાવનગર રૂટ: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પરથી અમદાવાદથી ભાવનગર વચ્ચે પસાર થતી પ્રીમિયમ AC બસો માટે હવે મુસાફરોએ માત્ર ₹336 ભાડું ચૂકવવાનું રહેશે. આ રૂટ પર રોજની 24 ફેરીઓ ઉપલબ્ધ છે, જે મુસાફરોને સમયસર પહોંચાડવામાં મદદરૂપ થશે.
  • અમદાવાદ-સુરત રૂટ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે થઈને દોડતી નોન-સ્ટોપ વોલ્વો બસોના ભાડામાં સીધો ₹61નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે મુસાફરો માત્ર ₹687માં સુરતની મુસાફરી કરી શકશે.

સુરક્ષા અને સુવિધાઓથી સજ્જ એસી કોચ

‘વધુ બસ, સારી બસ’ના સૂત્ર સાથે આ એસી કોચ આધુનિક લેગરૂમ, સીસીટીવી કેમેરા, ફાયર એલાર્મ અને હાઈટેક મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે. ત્યારે ભીષણ ગરમીના આ દિવસોમાં મધ્યમ વર્ગના પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો છે. દરેક પ્રવાસે આર્થિક બચત થવાના કારણે લોકો હવે પોતાના અંગત વાહનોને બદલે સરકારી લક્ઝુરિયસ બસોને પ્રાધાન્ય આપી રહ્યા છે. ભાડામાં ઘટાડો થવા છતાં મુસાફરોની સુવિધા અને સમયપાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

naidunia_image

આગામી સમયમાં બસોની સંખ્યા વધારવાની તૈયારી

મુસાફરો તરફથી મળી રહેલા હકારાત્મક પ્રતિસાદને જોતા, GSRTC દ્વારા આગામી દિવસોમાં વિવિધ એક્સપ્રેસ-વે રૂટ પર બસોની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગુજરાતના પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી રહેશે. તમારી મુસાફરી આયોજિત કરવા માટે આજે જ GSRTCની વેબસાઈટ gsrtc.inની મુલાકાત લો.