GSRTC Bhai Bij Record 2026: દિવાળી અને ભાઈબીજના પાવન અવસરે વતન જતા તથા પોતાના સ્વજનોને મળવા જતા મુસાફરોની ભારે ભીડ વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS)ના માધ્યમથી દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને કમાણીનો નવો ઇતિહાસ રચાયો છે. આ સાથે જ GSRTC એ સળંગ 7મા વર્ષે પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખીને સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ભાઈબીજે તૂટ્યા તમામ રેકોર્ડ
તહેવારોની સિઝનમાં લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવાને બદલે મુસાફરોએ ડિજિટલ માધ્યમો પર વધુ ભરોસો મૂક્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ અંતર્ગત તારીખ 11 નવેમ્બરે ભાઈબીજના દિવસે એક જ દિવસમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. આ દિવસે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,46,875 સીટોનું બુકિંગ થયું છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે, આ કુલ બુકિંગમાંથી 99,402 સીટો માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ બુક કરવામાં આવી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે સામાન્ય જનતામાં ડિજિટલ પ્લેટફોર્મ અને ટેક્નોલોજી પ્રત્યેનો વિશ્વાસ ઉત્તરોત્તર વધી રહ્યો છે.
આવકના મામલે પણ નવો સીમાચિહ્ન
ડિજિટલ બુકિંગની બેજોડ સફળતાની સાથે-સાથે નિગમની તિજોરીમાં પણ રેકોર્ડબ્રેક આવક જમા થઈ છે. ભાઈબીજના એક જ દિવસમાં GSRTC ને ડિજિટલ માધ્યમથી કુલ રૂ. 3.55 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ કુલ ડિજિટલ આવકમાંથી એકલા મોબાઇલ એપના માધ્યમથી જ રૂ. 2.27 કરોડની કમાણી થઈ છે. વડાપ્રધાનશ્રીના 'ડિજિટલ ઇન્ડિયા'ના સ્વપ્નને આ સિદ્ધિ વધુ મજબૂત બનાવી રહી છે. જ્યારે બીજી તરફ, આ જ દિવસે ઓનલાઈન અને ઓફલાઈન સહિતની કુલ દૈનિક આવક રૂ. 13 કરોડના આંકડાને પણ વટાવી ગઈ છે.
વર્ષ 2019 થી 2026 સુધીની પ્રગતિની અદ્ભુત સફર
GSRTCનું આ શાનદાર પ્રદર્શન કોઈ એક દિવસની સફળતા નથી, પરંતુ વર્ષોની સતત મહેનત અને આધુનિક સુધારાઓનું પરિણામ છે. ગત વર્ષોના આંકડા પર નજર કરીએ તો નિગમે ક્રમશઃ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે.
વર્ષ 2019: 74,368 સીટો અને રૂ. 1,53,10,717ની આવક
વર્ષ 2022: 1,14,880 સીટો અને રૂ. 2.10 કરોડની આવક
વર્ષ 2023: 1,32,177 સીટો અને રૂ. 2.97 કરોડની આવક
વર્ષ 2024: 1,41,468 સીટો અને રૂ. 3.15 કરોડની આવક
વર્ષ 2025: 1,33,043 સીટો અને રૂ. 3.19 કરોડની આવક
વર્ષ 2026: 1,46,875 સીટો અને રૂ. 3.55 કરોડની આવક (નવો રેકોર્ડ)
વર્ષ 2024ના અગાઉના રેકોર્ડને પાછળ છોડીને GSRTCએ આ વર્ષે ડિજિટલ બુકિંગમાં નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એસ.ટી. સ્ટાફની પ્રશંસા
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિગમના તમામ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તથા વહીવટી સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે કર્મચારીઓની ફરજનિષ્ઠાને બિરદાવતા ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે- તહેવારોના આ અવસરે જ્યારે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે ખુશીઓ મનાવી રહી હતી, ત્યારે એસ.ટી. નિગમના ડ્રાઈવર અને કંડક્ટરોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના રાજ્યના લાખો મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે.
દેશભરમાં 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું ગૌરવ
દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગના ક્ષેત્રે 'નંબર 1 એસ.ટી.યુ.' (State Transport Undertaking) તરીકેનું ગૌરવ મેળવવામાં ગુજરાત અવ્વલ રહ્યું છે. મુસાફરોને અત્યાધુનિક, સરળ, સુરક્ષિત અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે GSRTC હંમેશાં કટિબદ્ધ રહ્યું છે અને આ ભવ્ય સફળતા માટે નિગમ દ્વારા પ્રવાસીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
