Gandhinagar: ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની તેમજ 2027ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજનીતિમાં મોટો ઉલટફેર થયો છે. જે અંતર્ગત મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ (Gujarat Cabinet Expansion) કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નવા મંત્રીઓની શપથ વિધિ પણ થઈ ગઈ છે. નવા મંત્રીમંડળમાં હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. એવામાં હાર્દિક પટેલે મંત્રીમંડળ વિસ્તરણમાં પોતાને સ્થાન ના મળવા અંગે પ્રતિક્રિયા આપી છે.
હકીકતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું, ત્યારે એવું કહેવાતું હતુ કે, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. જેમાં પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરનાર અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નામ સૌથી ઉપર હતુ.
જો કે ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં 26 જેટલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં 10 જૂના મંત્રીઓને કાપીને નવાને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં આ વખતે હાર્દિક પટેલનો નંબર નથી આવ્યો. એવામાં ગાંધીનગરમાં નવા મંત્રીઓના શપથ સમયે હાજર રહેલા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતાં નવા મંત્રીઓને શુભકામના પાઠવતા જણાવ્યું કે, નવા મંત્રીમંડળના નેતૃત્વમાં આવનારા દિવસોમાં ગુજરાત ખૂબ જ લાભ થશે.
પાટીદાર નેતા તરીકે પોતાને મંત્રીમંડળમાં સ્થાન ના મળવા અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, જાતિગત સમીકરણ પણ અગત્યનું છે. PM મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે.
જ્યારે પણ મંત્રી મંડળનું વિસ્તરણ થતું હોય, ત્યારે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. આ પૂર્ણ કદનું મંત્રીમંડળ છે, જેમાં દરેક સમાજને યોગ્ય ન્યાય મળ્યો છે, તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
