'રાહુલ ગાંધી તમે ખોટા છો, વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પથી ડરતા નથી'- અમેરિકન ગાયિકાએ કોંગ્રેસ નેતાને રોકડું પરખાવ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા એવા જ નિર્ણય કરશે, જે તેમના દેશના હિતમાં હશે અને યોગ્ય હશે. રાહુલ ગાંધી ક્યારેય આ વાત નહીં સમજે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Oct 2025 04:31 PM (IST)Updated: Fri, 17 Oct 2025 04:31 PM (IST)
us-singer-mary-millben-reaction-on-rahul-gandhi-comment-over-pm-modi-and-donald-trump
HIGHLIGHTS
  • ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે.
  • રાહુલ ગાંધી પાસે વડાપ્રધાન બનવા લાયક કોઈ ગુણ જ નથી: મેરી મિલબેન

અમેરિકન ગાયિકા મેરી મિલબેને (US singer Mary Millben) લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) આડેહાથ લેવાની સાથે જ વડાપ્રધાન મોદીના (PM Modi) ભરપુર વખાણ કર્યાં છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈને મેરી મિલબેને નિશાન સાધ્યું છે. આટલું જ નહીં, અમેરિકન ગાયિકાએ તો ત્યાં સુધી કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાને લાયક જ નથી.

હકીકતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, હવેથી ભારત રશિયા પાસેથી ક્યારેય ક્રૂડ નહી ખરીદે. જેના પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા લખ્યું હતું કે, PM મોદી ટ્રમ્પથી ડરેલા છે. વડાપ્રધાન મોદી ખુદ જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિર્ણય લેવાની અને જાહેરાત કરવાની મંજૂરી આપે છે કે, હવેથી ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે.

કોંગ્રેસ નેતાની આ પોસ્ટ બાદ અમેરિકન ગાયિકા મેરી મિલબેને જવાબ આપતા લખ્યું કે, રાહુલ ગાંધી તમે ખોટા છો. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પથી ડરતા નથી. વડાપ્રધાન મોદી દૂરંદેશી રણનીતિને સમજ છે અને અમેરિકા સાથે તેમની કૂટનીતિક રણનીતિ છે.

જે પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા અમેરિકાના હિતને ધ્યાનમાં રાખે છે, તેવી જ રીતે વડાપ્રધાન મોદી પણ સૌ પ્રથમ પોતાના દેશ વિશે જ વિચારે છે. વડાપ્રધાન મોદીએ હંમેશા એવું જ કરશે, જે ભારત માટે શ્રેષ્ઠ હશે.

વધુમાં ગાયિકાએ લખ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હંમેશા એવું જ કરશે, જે તેમના દેશ માટે યોગ્ય હશે. મને નથી લાગતું કે, રાહુલ ગાંધી ક્યારેય આ વાતને સમજી શકશે. આ બાબતે તમે સમજી શકશો, તેવી હું આશા પણ નથી રાખતી, કારણ કે તમારી પાસે ભારતના વડાપ્રધાન બનવાને લાયક કોઈ ગુણ જ નથી.

અમેરિકન ગાયિકા મિલબેન વડાપ્રધાન મોદીને પગે લાગી હતી
જણાવી દઈએ કે, ગાયિકા મિલબેન હંમેશા વડાપ્રધાન મોદીની પ્રશંસક રહી છે. જૂન 2023માં જ્યારે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હતા, ત્યારે મિલબેન તેમને મળી હતી. આ દરમિયાન મિલબેને રોનાલ્ડ ભવનમાં ભારતીય રાષ્ટ્રગીત પણ ગાયું હતુ. જે બાદ મિલબેને વડાપ્રધાનને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા.