Gandhinagar: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગૃહમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વકપની ફાઈનલ મેચની ટિકિટોનો મુદ્દો ચગ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્યએ પોતાને જ વિશ્વકપની ફાઈનલ જોવા માટેની ટિકિટ ના મળી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપના નેતાઓની ટીકા કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ.
વિધાનસભા ગૃહમાં ભાજપના મજબૂર ધારાસભ્યોએ પોતાની લાચારી દર્શાવી: ઈમરાન ખેડાવાલા
આ પણ વાંચો
આ અંગે જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલતી હતી, ત્યારે ભાજપના એક ધારાસભ્યએ અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપની ફાઈનલ મેચની પોતાને ટિકિટ ના મળી હોવાની ફરિયાદ કરી હતી. પોતે ભાજપના ધારાસભ્ય હોવા છતાં ટિકિટ ના મળી હોવાની ગૃહમાં રજૂઆત કરી હતી.
મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, વિધાનસભાની અંદર ગુજરાતની સાડા 6 કરોડની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટેની અમને તક આપવામાં આવે છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપના ધારાસભ્ય જ પોતાની લાચારી દર્શાવે છે કે, મને ફાઈનલ મેચની ટિકિટ નથી આપવામાં આવી. આ સમયે બીજા બે મંત્રીઓ પણ ઉભા થઈને કહ્યું હતું કે, અમને પણ ટિકિટ નહતી મળી. આમ ભાજપના લાચાર ધારાસભ્યો પોતાની અંગત માંગણી લઈને વિધાનસભા ગૃહમાં માંગણી કરે, ત્યારે અજુગતું લાગે છે.
ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો સામે સરકાર પગલા લે
વધુમાં કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વિશ્વકપની ફાઈનલ મેચની ડુપ્લિકેટ ટિકિટો ઘણા લોકોએ કાળા બજારમાં ખરીદી હતી. આવી ટિકિટો લઈને સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા ઘણાં લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા ક્રિકેટ ફેન્સને આવા લેભાગુ તત્વોએ ડુપ્લિકેટ ટિકિટ પધરાવી દીધી હતી. આથી મારી સરકારને વિનંતી છે કે, આવા તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
મારી રજૂઆત અંગત માંગણીઓ માટે નહતીઃ ભાજપના ધારાસભ્ય
હકીકતમાં વિધાનસભા ગૃહમાં વલસાડની ધરમપુર બેઠકના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે વિધાનસભા ગૃહમાં વિશ્વકપની ફાઈનલ મેચની ટિકિટને લઈને રમત-ગમત વિભાગ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને તેમણે જણાવ્યું કે, મારી રજૂઆત અંગત માંગણીઓ માટે નહતી. મે માત્ર રમૂજ માટે રજૂઆત કરી હતી.
આવા કાર્યક્રમમાં ઑનલાઈન ટિકિટ પ્રથા હોવાના કારણે મને ટિકિટ મેળવવામાં મુશ્કેલી થઈ હતી. આ પ્રથા એટલી પારદર્શક છે કે, અમારા ભાજપના ધારાસભ્યને પણ ટિકિટ નથી મળી રહી. જો કે આ મામલે જીતુ વાઘાણીએ હકારાત્મક જવાબ આપ્યો છે. આગામી સમયમાં આવા કોઈ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની ખાતરી આપી છે.
