Gandhinagar: દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે — ‘તમસો મા જ્યોતિર્ગમય’ – ‘હે ભગવાન ! અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાઓ.’

સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત 33 વર્ષથી 10,000 દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન-જનના માનસ પટ પર અંકિત કરે છે.

સંધ્યા સમયે હજારો દીવડાઓ વચ્ચે દેદીપ્યમાન અક્ષરધામ મંદિર, હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ‘ગ્લો ગાર્ડન’, ‘નીલકંઠ વાટિકા’માં નયનરમ્ય રોશની, સંગીત અને 108 ગૌમુખમાંથી વહેતી જલધારા મધ્યે સ્થિત 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ આદિ આકર્ષણો દર્શનાર્થીઓને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની અનુભૂતિ કરાવે છે.
આ પણ વાંચો

આ સાથે ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ અક્ષરધામ મંદિરના ગર્ભગૃહમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને અનુલક્ષીને 12 ફૂટ x 8 ફૂટની કલાત્મક રંગોળી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ મહિલા સ્વયંસેવકો દ્વારા ભક્તિભાવપૂર્વક તૈયાર કરવામાં આવે છે.

આ વર્ષે એકતા અને વિશ્વબંધુત્વનો સંદેશ આપતા યજુર્વેદના મંત્ર ‘યત્ર વિશ્વં ભવતિ એક નિડમ્ ‘ના મધ્યવર્તી વિચાર સાથે પરંપરાગત શૈલીથી તૈયાર થયેલ આકર્ષક રંગોળી નિહાળવી એ પણ એક સંભારણું બની રહેશે.

આગામી 26 ઓક્ટોબર, 2025 સુધી દર્શનાર્થીઓ અક્ષરધામમાં દીપોત્સવી પર્વની અનુભૂતિ સાંજે 6 થી 7:45 દરમ્યાન કરી શકશે. આ સાથે જ સોમવારના 20મી ઓક્ટોબરના રોજ પ્રદર્શન ખંડો, વૉટર શૉ સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.


