Navratri 2025: ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં દીપક પ્રગટાવી અષ્ટભુજાધારી મા દુર્ગાનો અલૌકિક સાક્ષાત્કાર

દર વર્ષની જેમ આ વર્ષે પણ 'આપણા નગરનો ભાવ' સાથે ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં ભક્તોએ વિશેષ ફોર્મેશનમાં ઉભા રહીને માની ભવ્ય મહાઆરતી ઉતારી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 01 Oct 2025 01:31 PM (IST)Updated: Wed, 01 Oct 2025 01:31 PM (IST)
octagonal-maa-durga-manifests-in-lamp-light-at-gandhinagar-cultural-forum

Gandhinagar News: ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં દુર્ગાષ્ટમીના પવિત્ર અવસરે એક અનોખો અને અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ દીવડાના પ્રકાશથી તૈયાર કરાયેલી અષ્ટભુજાધારી મા દુર્ગાની આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કર્યા હતા, જેણે વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું. આ ભવ્ય મહાઆરતીમાં પરમ કૃપાળુ મા ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જનમેદની ઉમટી પડી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ 'આપણા નગરનો ભાવ' સાથે ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં ભક્તોએ વિશેષ ફોર્મેશનમાં ઉભા રહીને માની ભવ્ય મહાઆરતી ઉતારી હતી. હજારો દીવડાઓના તેજથી ઝળહળી ઉઠેલી મા દુર્ગાની વિરાટ છબી, ઉપસ્થિત સૌ કોઈને બ્રહ્માંડની આદ્યશક્તિના સાક્ષાત્ દર્શન કરાવતી હોય તેવો અનુભવ કરાવ્યો હતો. આ અલૌકિક દ્રશ્ય અને ભક્તિમય વાતાવરણે ઉપસ્થિત સૌ કોઈને એક અવર્ણનીય અનુભૂતિ કરાવી હતી, જ્યાં ભક્તોની અતૂટ શ્રદ્ધા માની અખૂટ શક્તિ સાથે જોડાઈ હતી.

મા દુર્ગા, જે બ્રહ્માંડની આદ્યશક્તિ અને સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહાર કરનારી સર્વોચ્ચ શક્તિ મનાય છે, તે દુર્ગમ સંકટો અને દુઃખોનો નાશ કરનારી દેવી છે. તેમના અંતરમાં અપાર કરૂણા ભરેલી છે અને તેમનો વરદ હસ્ત હંમેશાં સૌની રક્ષા અને કલ્યાણ માટે તત્પર રહે છે. દુર્ગતિ નાશીની મા દુર્ગા શૌર્ય અને નિર્ભયતાનું પ્રતીક છે, જેની પ્રતિતિ કલ્ચરલ ફોરમના ગરબામાં ઉપસ્થિત સૌ ભક્તોને હજારો દીવડાઓથી રચાયેલી તેમની પ્રતિકૃતિના દર્શન કરીને થઈ હતી.

કેવી રીતે તૈયાર કરાઈ આ અલૌકિક રચના

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં યોજાતી આ અલૌકિક મહાઆરતી માત્ર ભક્તિભાવનું જ નહીં, પરંતુ સૂક્ષ્મ આયોજન અને મહેનતનું પણ પરિણામ છે. ફોરમના અધ્યક્ષ ક્રિષ્નકાંત જહાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આઠમની મહાઆરતી માટે જુદી જુદી ટીમો કાર્યરત હોય છે. સર્વપ્રથમ, ચાર સભ્યોની ડિઝાઇન ટીમ (આર્કિટેક્ટ) દ્વારા મહાઆરતીની થીમ અને ડિઝાઇન નક્કી કરવામાં આવે છે, જે કોર ગ્રુપને મોકલવામાં આવે છે. કોર ગ્રુપના સાત સભ્યો તેમના મંતવ્યો આપી ડિઝાઇનના વિકલ્પો નક્કી કરે છે, જે પછી અધ્યક્ષ સમક્ષ રજૂ કરાય છે. અધ્યક્ષ મહાઆરતીની ડિઝાઇનથી માંડીને દરેક પાસાઓનું બારીકાઈથી વિશ્લેષણ કરીને અંતિમ મંજૂરી આપે છે.

naidunia_image

મંજૂર થયેલી ડિઝાઇનને અમલમાં મૂકવા માટે ફોરમના 122 સભ્યો ઉપરાંત જય અંબે પરિવારના 400 જેટલા સભ્યો મહાઆરતીના દિવસે બપોરના સમયે ભેગા થાય છે. આર્કિટેક્ટ ટીમ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં સફેદ પેઇન્ટથી સાઈઝ પ્રમાણે જુદા જુદા સેક્શન્સ તૈયાર કરવામાં આવે છે. માતાજીની મુખાકૃતિ હોય કે આભૂષણ, દરેક બ્લોક્સ 1 થી 45 નંબર મુજબ ઓન-પેપર ડિઝાઇન પ્રમાણે બનાવાય છે અને તેના માપ મુજબ જ ગ્રીડ નક્કી કરવામાં આવે છે. આ તૈયારીઓ પૂર્ણ થયા બાદ ડ્રોન કેમેરાથી એરિયલ વ્યૂ લેવામાં આવે છે, જેના થકી ખૂટતી કડીઓ જોડી દેવાય છે અને દીવાઓ ક્યાં પ્રજવલિત કરવા તે બાબતો પર ખાસ ધ્યાન અપાય છે. માતાજીના આભૂષણોની પ્રતિકૃતિ માટે જુદા જુદા રંગના LED બલ્બ સાથે સભ્યોને ઊભા રાખવામાં આવે છે.

naidunia_image

ડ્રોન દ્વારા કેદ કરાઈ આ અલૌકિક અનુભૂતિ

લગભગ ત્રણથી ચાર કલાકમાં આ બધી તૈયારીઓને ગ્રાઉન્ડ ઉપર આખરી ઓપ આપી દેવાય છે. બાદમાં રાત્રે મહાઆરતીના સમયે ટીમના સભ્યો અને ખેલૈયાઓ પણ સેક્શનવાઇઝ ઉભેલા સભ્યો દીવડા પ્રગટાવીને પોતાના સ્થાને ઊભા રહી જાય છે. પાંચેક મિનિટમાં સ્ટેજ ઉપરથી એક કોડવર્ડ બોલવામાં આવે છે અને તુરંત આખા ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી દેવાય છે. આ અદભુત ક્ષણને ડ્રોન કેમેરાથી કેપ્ચર કરવામાં આવે છે, જે સમગ્ર ભવ્યતાને કાયમ માટે સાચવી રાખે છે. આ પ્રકારે, ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા યોજાતી આ મહાઆરતી ભક્તિ, કલાત્મકતા અને આધુનિક તકનીકનો એક અનોખો સંગમ રચે છે, જે દર વર્ષે હજારો ભક્તોને એક અલૌકિક અનુભૂતિ કરાવે છે.