ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબામાં 5,100 દીવડાથી રચાયું મા સરસ્વતીનું અલૌકિક સ્વરૂપ; જુઓ VIDEO

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ત્રણ દાયકાથી વધુ સમયથી આ પરંપરાગત મહાઆરતી જળવાઈ રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 21 Oct 2026 07:49 AM (IST)Updated: Wed, 21 Oct 2026 07:49 AM (IST)
gandhinagar-cultural-forum-garba-maa-saraswati-5100-diyas-maha-aarti

Gandhinagar Cultural Forum Garba: ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી દરમિયાન દુર્ગાષ્ટમીના પાવન અવસરે હજારો દીવડાઓના ઝગમગાટ વચ્ચે વિદ્યા અને કળાના દેવી મા સરસ્વતીનું દિવ્ય સ્વરૂપ સાકાર થયું હતું. આ ભવ્ય આયોજનમાં મેદનીની સુનિયોજિત ગોઠવણી દ્વારા 5100 થી વધુ પ્રજ્વલિત દીવાના પ્રકાશથી વીણાવાદિની મા સરસ્વતીની અદ્ભુત આકૃતિ પ્રગટ કરવામાં આવી હતી.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ છેલ્લા 32 વર્ષથી શુદ્ધ પરંપરાગત રાસ-ગરબા અને અષ્ટમીની આવી દિવ્ય સમૂહ મહાઆરતીના ભવ્ય આયોજન માટે જાણીતું છે. સંસ્થાની ત્રણ દાયકા જૂની આ પરંપરા અનુસાર યોજાયેલ ભવ્ય મહાઆરતીમાં હજારો ખેલૈયાઓ અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ હાથમાં પ્રજ્વલિત દીવડાઓ ધારણ કરીને એકસાથે મા જગદંબાની આરતી ઉતારીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

જ્ઞાન, કળા, સંગીત અને સાહિત્યની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીનું દિવ્ય સ્વરૂપ પ્રગટાવીને ખેલૈયાઓએ મા જગદંબાની ભાવપૂર્વક આરાધના કરી હતી. કલ્ચરલના ગરબાની વિશેષતા સમાન આ મહાઆરતીમાં હજારો દીવડાઓના સુમેળભર્યા પ્રકાશથી જ્યારે વીણાવાદિનીનું સ્વરૂપ પ્રગટ થયું, ત્યારે સમગ્ર ગરબા મેદાન ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાથી ઝંકૃત થઈ ઊઠ્યું હતું.

આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય નિહાળીને ગરબા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારો લોકોએ સામૂહિક રીતે ‘અહો!’ના ઉદગાર સાથે આ દિવ્ય અનુભૂતિને વધાવી લીધી હતી. હાથમાં વીણા ધારણ કરનાર મા સરસ્વતીના સ્વરૂપમાં જ્ઞાનનો પ્રકાશ, સર્જનાત્મકતાની ચેતના અને સૂર-તાલનો સમન્વય પ્રતિબિંબિત થતો હતો. સાક્ષાત્ વીણાવાદિની મા સરસ્વતીનું ગરબા આંગણે પ્રાગટ્ય થયું હોય તેવી ભાવવિભોર અનુભૂતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.