Gandhinagar: SOGની ટીમને મોટી સફળતા, નવનીત પ્રકાશનના માલિકની હત્યા કેસનો આરોપી 8 વર્ષે ઝડપાયો

આ ગુનામાં અગાઉ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જેમને ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jan 2025 08:13 PM (IST)Updated: Sat, 25 Jan 2025 08:13 PM (IST)
gandhinagar-news-sog-held-navneet-prakashan-owner-murder-accused-after-8-years
HIGHLIGHTS
  • આરોપી ઓળખ છુપાવી અમદાવાદની હોટલમાં નોકરી કરતો હતો

Gandhinagar: ગાંધીનગર સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં નવનીત પ્રકાશનના માલિકીનું અપહરણ, ખંડણી અને હત્યાના કેસમાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદના જોધપુર વિસ્તારની હોટલમાંથી ઝડપી પાડ્યો છે.

શું છે સમગ્ર મામલો?
હકીકતમાં વર્ષ 2017માં જાણીતા નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈ શાહ અમદાવાદ સ્થિત પોતાના ઘરેથી ગાંધીનગર જિલ્લાના દંતાલીમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસ જઈ રહ્યા હતા. આ દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી હોટલ આગળથી નવીન શાહનું અપહરણ કરી દેવામાં આવ્યું હતુ. આ મામલે તેમના ડ્રાઈવરે જે-તે સમયે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે અપહરણના થોડા દિવસો બાદ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની એક કેનાલમાંથી નવીનભાઈ શાહની લાશ મળી આવી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમે તેમની પ્રેસના જૂના કોન્ટ્રાક્ટર જીગ્નેશ ભાવસાર, રમેશ પટેલ, શૈલેશ પટેલ, બંકિમચંદ્ર પટે, ઉત્પલ પટેલ અને પરીન ઠક્કર સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શંકર ગોસ્વામી નામનો આરોપી પોલીસ પકડથી દૂર હતો.

આ દરમિયાન SOGની ટીમને બાતમી મળી હતી કે, શંકર ગોસ્વામી પોલીસથી બચવા પોતાની ઓળખ છૂપાવી અમદાવાદના જોધપુર ગામ ખાતે આવેલી હોટલમાં ચાઈનીઝ હેલ્પર તરીકે નોકરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે હોટલમાં તપાસ કરીને આરોપી શંકર ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો.

મૂળ બિહારના વતની શંકર ગોસ્વામીની પૂછપરછમાં સામે આવ્યું કે, ગુનો નોંધાયા બાદ તે પોલીસથી બચવા માટે દેશના જુદા-જુદા રાજ્યોમાં ફરતો હતો. જો કે કોરોના મહામારી બાદ દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો અને જોધપુર ગામની હોટલમાં પોતાની ઓળખ છૂપાવીને નોકરી કરતો હતો. હાલ તો SOGની ટીમે આરોપી શંકર ગોસ્વામીને અડાલજ પોલીસને સોંપી દીધો છે.