Shala Praveshotsav 2026: બે દિવસમાં 1.31 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળાના આંગણે જ્ઞાનનું પ્રથમ પગથિયું મૂક્યું

ગુજરાતમાં 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026'ના બે દિવસમાં 1.31 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય સરકારે ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નવી પરિવહન સુવિધા અને વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી પહેલ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Jun 2026 07:00 AM (IST)Updated: Thu, 25 Jun 2026 07:00 AM (IST)
gandhinagar-news-shala-praveshotsav-2026-131-lakh-students-enrolled-in-gujarat

Shala Praveshotsav 2026: ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ના બીજા દિવસે એટલે કે તા. 24 જૂનના રોજ રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના સ્વાગત માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 29,682 મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આમ, છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 1.31 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સાક્ષરતાનો દર વધારવા અને રાજ્યના દરેક બાળકનું 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ની 24મી કડીનો ગત રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત કરવામાં આવી, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું.

શિક્ષણના આ મહાપર્વ દરમિયાન નવી પેઢીના લાખો બાળકોએ શાળામાં પ્રવેશ મેળવી રેકોર્ડબ્રેક નામાંકન નોંધાવ્યું છે. આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ 1,39,925 પ્રવેશપાત્ર બાળકો સામે કુલ 1.40 લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે. આ ઉપરાંત ધોરણ-1માં 34 હજારથી વધુ, ધોરણ-9માં 1,96,755 તેમજ ધોરણ-11માં 1,01,759 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો હતો.

તદુપરાંત આજે રાજ્યના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા તેમજ ખાસ કરીને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે. આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. 9.19 કરોડની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી. તેમાં રૂ. 1.24 કરોડ રોકડ સ્વરૂપે તેમજ રૂ. 7.95 કરોડના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો માટે શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં યોજાયેલા ‘Back to School Survey’ દરમિયાન રાજ્યભરમાંથી હજુ 21,892 જેટલા બાળકોનું નામાંકન બાકી છે. શિક્ષણ વિભાગ આગામી દિવસોમાં વિશેષ ઝુંબેશ હાથ ધરીને આ તમામ બાળકોને મુખ્ય શૈક્ષણિક પ્રવાહ સાથે ઝડપથી જોડશે.

‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા, સમાજની સહભાગિતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ગુજરાતના મજબૂત સંકલ્પનું જીવંત પ્રતિક બની રહ્યું છે.