Dahod News: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 24મી કડીના બીજા દિવસે, આજે બુધવાર, ૨૪ જૂનના રોજ દાહોદ જિલ્લામાં જ્ઞાનના નવા પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદના આદિજાતિ વિસ્તાર મોટી ખરજ ગામે ઉપસ્થિત રહી, બાળકોને શાળા પ્રવેશ કરાવીને આ ‘જન ઉત્સવ’માં સહભાગી થશે.
મુખ્યમંત્રી આજે દાહોદ પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વર્ષ 2003થી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવનું આ વર્ષ 2026નું અભિયાન ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ તરીકે ઉજવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી સવારે 10 વાગ્યે મોટી ખરજ પ્રાથમિક શાળા ખાતે પહોંચશે. આ પ્રસંગે તેઓ આંગણવાડીના 67 બાળકોના પ્રવેશ સહિત કુલ 318 બાળકોને શિક્ષણની મુખ્યધારામાં પ્રવેશ અપાવશે.
બાળકોને શાળામાં પ્રવેશ અપાશે
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની આ સિદ્ધિ વિશે વાત કરતાં, આ 24મી કડી અંતર્ગત સમગ્ર રાજ્યમાં 28 લાખ 58 હજાર જેટલા પ્રવેશપાત્ર બાળકોને શાળા પ્રવેશ અપાવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના 9 તાલુકાઓમાં 77,821 કન્યાઓ સાથે કુલ 1 લાખ 57 હજાર 948 વિદ્યાર્થીઓને આ ત્રણ દિવસીય અભિયાન દરમિયાન શાળામાં પ્રવેશ અપાશે.
મુખ્યમંત્રી 174 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવશે
મુખ્યમંત્રીનો કાર્યક્રમ મોટી ખરજ બાદ ગરબાડા તાલુકા સુધી વિસ્તરશે. સવારે 11 કલાકે તેઓ ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહેશે. અહીં તેઓ બાલવાટિકાના 17, ધોરણ-1 ના 7 અને ધોરણ-9 ના 150 વિદ્યાર્થીઓ મળીને કુલ 174 જેટલા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે.
વાલીઓ અને ગ્રામજનોમાં ઉત્સાહ
શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણના વ્યાપને વધારવા અને ‘ડ્રોપ-આઉટ રેશિયો’ ઘટાડવા માટેનું એક મજબૂત માધ્યમ છે. દાહોદના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારના આ અભિયાનથી વાલીઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિ બાળકોના મનોબળને ચોક્કસપણે વેગ આપશે.
