Narmada Rain: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મધરાતથી શરૂ થયેલા મેઘતાંડવે જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કર્યું છે. રાત્રિના સુમારે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સાગબારા પંથકમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું હતું.
સતત વરસેલા વરસાદને પગલે જંગલ વિસ્તારની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા હતા, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના વરસાદી આંકડા મુજબ, સાગબારામાં 3.27 ઇંચ અને ચીકદામાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો છે.
એકધારા ભારે વરસાદના કારણે સેલંબા નજીક માત્ર એક મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવવામાં આવેલું નાળું પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું હતું. પ્રથમ વરસાદમાં જ રસ્તા અને નાળાની આવી દયનીય સ્થિતિ સામે આવતા સ્થાનિકોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
આ ઘટનાને પગલે સેલંબાથી મહારાષ્ટ્રના નવાપાડા તરફ જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Jamnagar: ધ્રોલના લતીપુર ગામ નજીક બે કાર વચ્ચે ભીષણ ભીષણ ટક્કર, 3ના મોત; 6 ઈજાગ્રસ્ત
સાગબારા બાદ ડેડીયાપાડા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. વરસાદના પગલે ડેડીયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં નવા નીર આવ્યા હતા. નદી બે કાંઠે વહેતી થતા ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે સંપર્ક તૂટ્યો હતો.
બીજી તરફ નર્મદા જિલ્લાના અન્ય પાંચ તાલુકાઓમાં વરસાદની ખાસ અસર જોવા મળી ન હતી. જોકે સમગ્ર જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને આકરા તાપ અને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી હતી. સાગબારા વિસ્તારમાં ચોમાસાનું આગમન અત્યંત જોરદાર રહ્યું છે.
જો આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે, તો ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને અવરજવર માટે સ્થિતિ વધુ કપરી બની શકે છે. સ્થાનિકો હવે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા અને નાળાના સમારકામની માંગ કરી રહ્યા છે.
