Jamnagar Accident: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લતીપુર ગામ નજીક બે કાર સામ-સામે ધડાકાભેર ભટકાતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 6 લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા લતીપુર ગામ નજીક આવેલી જીવદયા ગૌશાળા નજીક મોરબી તરફથી ધ્રોલ તરફ આવી રહેલી અર્ટિગા કાર (નંબર GJ-01-RX-0677) અને સામે છેડેથી જામનગર તરફ જઈ રહેલી બ્લેક કલરની બલેનો કાર વચ્ચે સામસામે ધડાકાભેર અથડામણ થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બન્ને કારોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ હાથ ધર્યું હતુ. બીજી તરફ આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. જે બાદ અકસ્માતગ્રસ્ત કારમાં સવાર તમામ લોકોને પતરાં ચીરીને બહાર કાઢ્યા હતા. જો કે અકસ્માતના ચગદાઈ જવાના કારણે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
જે બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો ધ્રોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ કાનજીભાઈ વાઘાણી (ઉં.વ. 28, રહે. લાભનગર સોસાયટી, મોરબી, મૂળ. દેવગઢ ગામ, માળિયા), પૂજા અપારનાથી (ઉં.વ.24, રહે. ચાસલાણા ગામ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) અને જાગુ અપારનાથી (ઉં.વ.36, રહે. ચાસલાણા ગામ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) તરીકે થઈ છે.
