'સંતાન નથી જોઈતું કહીંને ગર્ભાશય જ કઢાવી નાંખ્યું'- રાજકોટમાં AAPની કાર્યકર્તાના શંકાસ્પદ મોત કેસમાં પરિવારના વિધર્મી પ્રેમી પર સનસનીખેજ આક્ષેપ

રાજકોટમાં AAPની કાર્યકર્તા નંદની બોસમિયાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો, પરિવારે તેના વિધર્મી પ્રેમી અસલમ સમા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારના મતે, અસલમે નંદનીનું ગર્ભાશય કઢાવી નાખ્યું હતું અને તેને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો, પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Jun 2026 07:45 PM (IST)Updated: Wed, 24 Jun 2026 07:45 PM (IST)
rajkot-news-aap-worker-death-case-family-alleges-murder-by-live-in-partner

Rajkot: થોડા સમય પહેલા યોજાયેલી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેતપુર નવાગઢ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી (AAP) વતી ઉમેદવારી નોંધાવનાર નંદની બોસમિયા (23) નામની યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પરિવારજનોએ નંદનીની તેના વિધર્મી પ્રેમીએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

પરિણીત વિધર્મીએ પ્રેમજાળમાં ફસાયેલી નંદની મૈત્રી કરારથી સાથે રહેતી હતી

આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, નંદની જૂનાગઢમાં એમ.આર. તરીકે નોકરી કરતી હતી. આ સમયે અસલમ સમા નામના વિધર્મી યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અસલમ પોતે પરિણીત હોવા છતાં તેણે નંદીની સાથે મૈત્રીકરાર કર્યા હતા. જે બાદ બન્ને જણા રાજકોટમાં રૂમ ભાડે રાખીને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેમાં અસલમ નંદનીને ઢોરમાર મારીને પોતાની પત્ની પાસે જતો રહેતો હતો. જેના કારણે નંદની સતત માનસિક આઘાતમાં રહેતી હતી.


'પપ્પા, હું જિંદગીનો જંગ હારી ગઈ છું'- અંતિમ સ્ટેટસ બાદ ફોન સ્વિચઑફ

લિવ ઈન રિલેશનશિપમાં રહેવા દરમિયાન અસલમે નંદનીને સંતાન નથી જોઈતું, તેમ કહીને ઑપરેશન કરાવીને તેનું ગર્ભાશય કઢાવી નાંખ્યું હતુ. નંદનીએ અંતિમ પગલું ભરતા પહેલા મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે, અસલમે તેના તમામ દાગીના ગીરવે મૂકી દીધા છે. નંદનીએ પિતાને ઉદ્દેશીને અંતિમ સ્ટેટસમાં લખ્યું હતું કે, પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું.

આ સ્ટેટસ જોઈને નંદનીની બહેને ફોન કર્યો હતો, પરંતુ રિસિવ ના થતાં તેણે પરિચિતને ફ્લેટ પર તપાસ કરવા મોકલ્યો હતો. જ્યાં હોલમાં નંદનીની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, અસલમે જ નંદનીની હત્યા કર્યાં બાદ તેની લાશને લટકાવી દીધી છે. હાલ તો પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવા સાથે નંદનીના પાર્ટનર અસલમની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.