રાજકોટમાં આપ કાર્યકર્તાના શંકાસ્પદ મોત અંગે મહિલા આયોગે 7 દિવસમાં માંગ્યો રિપોર્ટ, ગુજરાત પોલીસ વડાને નોટિસ પાઠવી

રાજકોટની આપ કાર્યકર્તા નંદિની બોસમિયાના શંકાસ્પદ મોત મામલે મહિલા આયોગે ગુજરાત પોલીસ વડાને પત્ર લખીને 7 દિવસમાં કાર્યવાહી અહેવાલ રજૂ કરવા કહ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 26 Jun 2026 03:58 PM (IST)Updated: Fri, 26 Jun 2026 03:58 PM (IST)
rajkot-aap-worker-nandini-bosamiya-death-national-commission-for-women-seeks-report-gujarat-dgp

Rajkot News: રાજકોટમાં આપ કાર્યકર્તાના શંકાસ્પદ મોતના કેસમાં દિલ્હી મહિલા આયોગની એન્ટ્રી થઇ છે. 21 વર્ષીય નંદિની આનંદભાઈ બોસમિયાના શંકાસ્પદ મોતના કેસમાં નેશનલ કમિશન ફોર વુમેનએ કાર્યવાહી કરી છે. મહિલા આયોગે ગુજરાત પોલીસને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે અને સાત દિવસમાં વિગતવાર કાર્યવાહી અહેવાલ માંગ્યો છે.

મહિલા આયોગે ડીજીપીને પત્ર લખ્યો

મહિલા આયોગના નિવેદન અનુસાર, મીડિયા અહેવાલોમાં મૃતક નંદિની પર લાંબા સમયથી શારીરિક, માનસિક અને આર્થિક શોષણ થયાનો આક્ષેપ છે. યુવતીને કથિત રીતે દબાણ કરીને હિસ્ટરેક્ટોમી સર્જરી કરવામાં આવી હતી. મૃત્યુ પહેલાં તેણે શેર કરેલા અંતિમ સંદેશ અને આસપાસની પરિસ્થિતિઓનું મહિલા આયોગે ચિંતન કર્યું છે. આયોગે આ કેસને ગંભીર અને વેદનાદાયક ગણાવીને ગુજરાતના ડીજીપીને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

યુવતીના મોતને લઈ કાર્યવાહીની માંગ

ભાજપના સિનીયર નેતા તેજેન્દ્ર બગ્ગાએ સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઇ પોસ્ટ કરી. જે પોસ્ટ બાદ મહિલા આયોગ એક્શન મોડમાં આવ્યું હતું. આ બનાવમાં કમિશને નિર્દેશ આપ્યો છે કે, યોગ્ય કલમો હેઠળ FIR નોંધવામાં આવે. તેમજ વહેલી તક આરોપીઓને ઝડપી લેવામાં આવે. ફરજિયાત હિસ્ટરેક્ટોમીના આરોપોની વિગતવાર તપાસ કરવામાં આવે જેમાં સંડોવાયેલા હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફની ભૂમિકાની પણ તપાસ થાય.

મહિલા આયોગે જરુરી નિર્દેશ આપ્યા

આયોગે વધુમાં નિર્દેશ આપ્યો છે કે, નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા વ્યાપક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ. આર્થિક શોષણની તપાસ કરી જો લાગુ પડે તો રકમ વસૂલ કરવામાં આવે. જુનાગઢમાં નોંધાયેલી અગાઉની ફરિયાદની સમીક્ષા કરવામાં આવે, કોઈપણ સંસ્થાકીય ખામીઓની તપાસ થાય. ભોગ બનનાર નંદિની જેતપુરની હતી અને તેઓ રાજકોટમાં રહેતી હતી. પરિવારના આરોપો અનુસાર તેના જીવનસાથી અને સંબંધીઓએ તેમની સાથે અત્યાચાર કર્યો હતો.

પોલીસે પ્રારંભિક તપાસ અકસ્માત તરીકે શરુ કરી છે અને ફોરેન્સિક પીએમ ચાલું છે. આ કેસમાં એક આરોપી ફરાર છે, મહિલા આયોગે મહિલાઓના અધિકારો અને સુરક્ષાના મુદ્દાઓ પર નજર રાખવાની તેની જવાબદારી અનુસાર આ પગલું ભર્યું છે.