Ebola Virus: આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન જેવા દેશોમાં હાહાકાર મચાવી રહેલા ચેપી ઈબોલા વાઈરસને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. એવામાં કોંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો આજે આવેલો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
કોંગોથી વડોદરા ખાતે આવેલા બિઝનેસમેનમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું હતુ. જે બાદ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનાવેલા ખાસ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના બ્લડ સેમ્પલ લઈને પૂણે લેબેરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ બાબતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ કિસ્સામાં ઈબોલા વાઇરસ હોવાની પુષ્ટી હજુ સુધી નથી થઈ. અત્યારે ગુજરાતમાં એક પણ ઈબોલા પોઝિટિવ કેસ નથી. જો કે અગમચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવી રહ્યા છે.
ગભરાવવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહોઃ પ્રફુલ પાનસેરિયા
આજે ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે કે, કોંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાઇરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નાગરિકોએ કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. નાગરિકો અફવાઓથી દૂર રહીને આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે.
કોંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
— Praful Pansheriya (@prafulpbjp) May 28, 2026
નાગરિકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
શંકાસ્પદ દર્દીના સીધા સંપર્કમાં આવેલા 3 લોકોનો ક્વોરન્ટાઈન કરાયા
હકીકતમાં અમુરી લોકુલા નામનો યુવક વડોદરા આવ્યો, ત્યારે તેમનામાં સામાન્ય શરદી અને ખાંસી જેવા લક્ષણો જણાયા હતા. જેથી તકેદારીના ભાગરૂપે તેને પ્રથમ બે દિવસ વડોદરાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે લક્ષણો વધુ ગંભીર જણાતા તેમજ યુવકની હિસ્ટ્રી આફ્રિકન દેશની હોવાથી તેને વધુ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
બીજી તરફ યુવકના સીધા સંપર્કમાં આવેલા 3 લોકોને પણ તાત્કાલિક ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ આફ્રિકન દેશોમાંથી પરત ફરેલા 11 મુસાફરોને પણ હોમ આઈસોલેશનમાં રાખીને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
