Paresh Goswami Pre Monsoon Prediction: ગુજરાતમાં ઉનાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કેટલાક ભાગોમાં આગ ઓકતી ગરમી પડી રહી છે, તો ક્યાંક ભેજવાળા પવનોના કારણે અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હોય તેમ ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે.
હવે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તીવ્ર બનશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ 20 થી 27 મે દરમિયાન ગુજરાતના પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ રહ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જ છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જો કે હવે 1 થી 8 જૂન દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો અને વધુ તીવ્ર રાઉન્ડ આવી રહ્યો છે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે.
તાપમાનમાં રાહત પણ બફારો બેફામ
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગુજરાતમાં 29 મેથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. જેના પરિણામે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રીની રેન્જમાં આવી જશે. જો કે અરબ સાગર પરથી આવતા ભેજવાળા પવનોના કારણે ઉકળાટ અને બફારો વધી જશે. મે મહિનાના આવનારા દિવસો ઉપરાંત જૂન મહિનાના 30 દિવસો મળીને આગામી 32 થી 34 દિવસો સુધી અસહ્ય ઉકળાટ અને બફારામાંથી રાહત નહીં મળે.
9 એપ્રિલથી 18 મે સુધી ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા છે. ખાસ કરીને 9 એપ્રિલથી માંડીને 18 મે સુધી એમ સતત 40 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની ઉપર રહ્યું છે. કોઈ-કોઈ ભાગમાં તો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આમ ગુજરાત ભઠ્ઠીમાં શેકાયું હતુ. જો કે હવે 29 મે બાદ આકરા તાપમાનમાંથી ચોક્કસ રાહત મળશે, પરંતુ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું
આજે ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહ્યું છે. જે પૈકી 44 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ સિવાય અન્ય શહેરોના મહત્તમ તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં 43.6, વડોદરામાં 40.6, ગાંધીનગરમાં 42.5, રાજકોટમાં 43.3 તેમજ સુરતમાં 35.6 ડિગ્રી નોંધાયું છે.
