Gandhinagar News: ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમત ગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્ડે ઓન સાયકલના ૯૯મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો હતો. ‘સંવિધાન દિવસ’ના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26 હજાર સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે, જે સંવિધાન દિવસને સાયકલિંગ દ્વારા સમર્પિત કરે છે. આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, સન્ડે ઓન સાયકલ પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપી રહી છે.
સાયકલિંગ એ 2036ના ઓલિમ્પિક્સ માટેનો પણ એક સંદેશ
મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, ‘સન્ડે ઓન સાયકલિંગ’ દેશના યુવાનોને માત્ર ‘કરિયર કોન્શિયસ’ જ નહીં, પરંતુ ‘ફિટનેસ કોન્શિયસ’ અને ‘નેશન કોન્શિયસ’ બનાવવાનો મંત્ર છે. તેમણે ઉમેર્યું કે, સાયકલિંગ સાથે જોડાઈને લોકો સ્વસ્થ રહી શકે તે માટે નાગરિકોએ સાયકલિંગને ‘ફેશન’ અને સાથે જ ‘પેશન’ પણ બનાવવું જોઈએ. સાયકલિંગના મહત્વ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે, જેમ દૂધ એ સંપૂર્ણ આહાર છે, તેમ સાયકલિંગ એ ‘સંપૂર્ણ એક્સરસાઈઝ’ છે. સાયકલિંગ એ ફિટનેસનો મંત્ર, પ્રદૂષણનું સોલ્યુશન અને ટ્રાફિકનું સમાધાન છે. આ ઉપરાંત, સાયકલિંગ એ 2036ના ઓલિમ્પિક્સ માટેનો પણ એક સંદેશ છે.

નાનકડો પ્રયાસ ધીમે-ધીમે દેશમાં ફિટનેસનો મંત્ર બની ગયો
આગામી 29 નવેમ્બરના રોજ દેશમાં ‘સન્ડે ઓન સાયકલિંગ’ની 100મી એડિશન યોજાવા જઈ રહી છે તેનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “બિંદુ-બિંદુથી સરોવર ભરાય છે અને નાના-નાના કાંકરાથી મોટો ડેમ બને છે.” એમ આપણો આ નાનકડો પ્રયાસ ધીમે-ધીમે દેશમાં ફિટનેસનો મંત્ર બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 માટે આપેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના નાગરિકોનું ફિટ રહેવું અત્યંત આવશ્યક છે. નાગરિકો ફિટ રહેશે તો સમાજ સ્વસ્થ રહેશે અને સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તેમ ઉમેરી મનસુખ માંડવીયાએ દેશના તમામ યુવાનો અને નાગરિકોને ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે જોડાવા માટે પોતાને ફિટ રાખવા અને સાયકલિંગ સાથે જોડાવા અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્ડે ઓન સાયકલ પહેલની શરૂઆત કરનાર અને 99મી એડિશન સુધી એક પણ એડિશન ચૂક્યા વગર તેને સતત આગળ ધપાવનાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાનો સમગ્ર યુવા વર્ગ વતી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સાતત્યએ પોતે જ એક અત્યંત મહત્વપૂર્ણ આદત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવા તથા યુવાનોને પ્રેરણા આપવા માટે તેઓ લાંબા સમયથી ‘સન્ડે ઓન સાયકલ’ અભિયાન ચલાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ખેલ મંત્રીને રમતગમત અને ફિટનેસ ક્ષેત્રે પોતાના વિભાગ તથા દિનચર્યાના માધ્યમથી સૌને આ જ રીતે સતત પ્રેરણા આપતા રહેવા અનુરોધ કર્યો હતો.

.
આ પ્રસંગે બંને મંત્રીઓએ સાયકલ સવારો સાથે ઉત્સાહભેર જોડાઈ સાયકલની સવારી કરી ગાંધીનગરવાસીઓને ફિટનેસ પ્રત્યે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં પંજાબ સરકારના શ્રમ મંત્રી તરુણપ્રીત સિંહ સોંદ, ભારત સરકારના શ્રમ સચિવ ચંદ્રભૂષણ કુમાર, ફિટ ઈન્ડિયા એમ્બેસેડર રાકેશ સૈની અને ભીષ્મ મઢાણી તેમજ આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ખેલાડી આધ્યા તિવારી, એશિયન ગેમ્સ-2026ના કાંસ્ય ચંદ્રક વિજેતા જય મીણા તથા ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ સહિત વિશાળ સંખ્યામાં ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
