Gandhinagar: પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026-27ની અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓના જવાબમાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, વર્ષ 2026-27ના બજેટમાં રૂ.1070.52 કરોડનો વધારો કરીને પંચાયત પ્રભાગ માટે રૂ. 9378.78 કરોડની અને ગ્રામ વિકાસ પ્રભાગ માટે રૂ.5479.07 કરોડ, આમ કરીને કુલ રૂ.14857.85 કરોડની બજેટમાં જોગાવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગો આરોગ્ય, શિક્ષણ, ICDS, વગેરે મારફતે જે તે વિભાગીય પ્રવૃતિ માટે ગ્રામ્ય કક્ષાની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે પણ અલાયદું બજેટ ફાળવવામાં આવે છે.
સ્વચ્છતા સંબંધિત વિવિધ પહેલોને એકીકૃત કરીને 'મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના' અમલમા મૂકાઇ છે. ડોર-ટુ-ડોર કચરા, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવામાં આવશે. વર્ષ 2026–27માં આ સંકલિત યોજના માટે રૂ.650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર 'અટલવાડી' નિર્માણ કરવા માટે વર્ષ 2026–27માં રૂ.60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામ્ય વિકાસ માટે માળખાગત કામો ગુણવત્તાસભર અને ભવિષ્યલક્ષી બને તે માટે Project Management Unit વિકસાવવુ જરુરી જણાતા રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે, જેના માટે રૂ. 7.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વધતા વિકાસકામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેના માટે અંદાજે રૂ. 6.66 કરોડનો વાર્ષિક ખર્ચ થશે.
નવા વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે નવી જગ્યાઓ મંજૂર કરાઈ
બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ–થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ 2026–27માં રૂ.60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
લોકશાહીના મૂલ્યોને વધુ દ્રઢ બનાવવા અમલી 'સમરસ ગ્રામ યોજના' હેઠળ અત્યાર સુધી 15,554 સમરસ ગામો જાહેર થયા છે. વર્ષ 2026-27 માટે આ યોજના હેઠળ રૂ.70.00 કરોડની જોગવાઈ કરવમાં આવી છે.
ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતના વિકાસ મોડલમાં વચેટિયામુક્ત વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. 1,639 મેળાઓ યોજીને 191.12 લાખ લાભાર્થીઓને રૂ.41,368.97 કરોડની સીધી સહાય આપી છે.
પંચાયતોના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અમલમાં મૂક્યો છે, જેમાં SDGની 9 થીમ આધારિત મૂલ્યાંકન થાય છે. સમગ્ર દેશમાં PAI-A કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગુજરાતની છે, જે રાજ્યની આગવી સિદ્ધિ દર્શાવે છે.
ગુજરાત રાજ્યમાં સતત થઇ રહેલ શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી વર્ષ 2025-2026 માં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા ન હોય તેવી 114 ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે રૂ.100 કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
