NAMO Shree Yojana: છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લોકોએ લાભ લીધો, ગુજરાત સરકારે લાભાર્થીઓને રૂ.437 કરોડ ચૂકવ્યા

'નમો શ્રી યોજના' યોજના અંતર્ગત સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. 12,000/- ની સહાય ચાર તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 03 Jan 2026 10:15 PM (IST)Updated: Sat 03 Jan 2026 10:15 PM (IST)
gandhinagar-news-more-than-7-lakh-people-took-benefit-of-namo-shree-yojana-in-last-year-667551
HIGHLIGHTS
  • 11 કેટેગરીની બહેનોને ‘નમો શ્રી યોજના’ અંતર્ગત લાભ આપવામાં આવે છે

NAMO Shree Yojana: રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-2024થી અત્યાર સુધી 7 લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.437.32 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે.

જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ.2,000 અને કેન્દ્ર સરકાર રૂ.3,000ની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.2,000નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં 6 માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.3,000 જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2,000નો ચોથો હપ્તો રસીકરણ સમયે 14માં અઠવાડિયે એમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ.12,000ની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે.

બીજી પ્રસુતિ સમયે લાભાર્થી સગર્ભાવસ્થાની નોંધણી કરાવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તા પેટે રૂ.2,000, બીજા હપ્તા પેટે સગર્ભાવસ્થાનાં 6 માસ પૂર્ણ થયા બાદ રૂ.3,000, કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજો હપ્તા સ્વરૂપે સંસ્થાકીય પ્રસુતિમાં દીકરીના જન્મ સમયે રૂ.6,000 તેમજ દીકરાના જન્મ સમયે રૂ.6,000 રાજ્ય સરકાર દ્વારા તથા ચોથા હપ્તા રૂપે 9 મહિના બાદ સંપૂર્ણ રસીકરણ સમયે રૂ.1,000નો હપ્તો રાજ્ય સરકાર દ્વારા આમ કુલ રૂ.12,000/-ની સહાય ચૂકવવામાં આવે છે,

રાજ્યમાં 11 કેટેગરીની બહેનોને ‘નમો શ્રી યોજના’ અંતર્ગત લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે 40 ટકા અથવા સંપૂર્ણ દિવ્યાંગ હોય, BPL રેશન કાર્ડ ધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) - આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી હોય, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.8 લાખ કરતાં ઓછી હોય, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ‘નમો શ્રી યોજના’ અંતર્ગત રાજ્યમાં આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. 12,000/- ની સહાય ચાર તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. જેના માટે વાર્ષિક કુલ રૂ। 488.40 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.