'Sorry Dipak હું જાઉં છું..'- સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ મૂકી કેનાલમાં મોતની છલાંગ, માતા-દીકરી અને દોહીત્રીનો સામુહિક આપઘાત

મૃતક યુવતીએ અંતિમ પોસ્ટમાં પોતાના આપઘાત પાછળ પોતાની ભાભી અને સાસુને જવાબદાર ઠેરવ્યા. ભાભીના કારણે ભાભી મમ્મીને રાખવા તૈયાર નહતો. જ્યારે ભાભીની ચડામણીથી સાસુ પણ ત્રાસ આપતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 04 Jun 2026 07:37 PM (IST)Updated: Thu, 04 Jun 2026 07:43 PM (IST)
gandhinagar-news-mass-suicide-by-jump-into-narmada-canal-post-suicide-note-in-social-media
File Photo
HIGHLIGHTS
  • પિયજ નર્મદા કેનાલમાંથી ત્રણેયના હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા

Gandhinagar Suicide: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂકીને સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પારિવારિક કલેશમાં પરિણીતાએ પોતાની માતા અને પુત્રી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવીને આયખું ટૂંકાવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે વહેલી સવારે કલોલના પિયજ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મહિલા, યુવતી અને બાળકીના હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તેમની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.

ભાભી અને સાસુના ત્રાસથી અંતિમ પગલું ભરવા મજબૂર

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ મૂળ મહેસાણાના તળેટી ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સંગીતા પ્રજાપતિ તરીકે થઈ છે. જેમણે પોતાની નેહા પ્રજાપતિ અને પૌત્રી પહલ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાનું જાણવા મળ્યું છે.

અંતિમ પગલું ભરતા પહેલા સંગીતા પ્રજાપતિની પુત્રી નેહાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાની વ્યથા ઠાલવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં નેહાએ અંતિમ પગલું ભરવા પાછળ પોતાની ભાભી તેમજ સાસુના ત્રાસના કારણે અંતિમ પગલું ભરવા મજબૂર બની હોવાનું જણાવ્યું છે.

નેહાએ લખ્યું છે કે, મારા અને મારા મમ્મીના મરવાનું કારણ મારા સગાભાઈની પત્ની છે. મારી ભાભીએ મારા સગાભાઈને તેની માતા અને બહેર વિરુદ્ધ ભડકાવી દીધો છે. આથી મારો ભાઈ માતાને રાખવા માટે તૈયાર ના હોવાથી તે તળેટી ગામમાં રહેતી હતી. જો કે ત્યાં પણ ભાભી તેને શાંતિથી રહેવા નથી દેતી. હવે કેટલું સહન થાય. આખરે કંટાળીને મારે આ પગલું ભરવું પડે છે.

વધુમાં નેહાએ પોતાની સાસુનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, મારી ભાભી મારા સાસુની પણ કાનભંભેરણી કરતી હતી. જેના કારણે તેઓ પણ ઘણીવાર મને બોલબોલ કરતા હતા. અમારા આપઘાત પાછળ પતિ દિપક, અજયમામા કે ગોરધનભાઈનો કોઈ વાંક નથી. નેહાએ પતિને ઉદ્દેશીને લખ્યું છે કે, સો Sorry Dipk હવે હું જાઉ છું. આમાં દિપક કે તરેટીમાં રહેતા કોઈનો જ ય વાંક નથી. હું મમ્મીને પણ સાથે લઈને જાઉ છું.

હાલ તો કલોલ પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાના પગલે પ્રજાપતિ પરિવાર ઉપરાંત નાના એવા તરેટી ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે.