Gujarat Rajyasabha Election 2026: ભાજપે ગુજરાતની 4 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં, 18 જૂને ચૂંટણી યોજાશે

ભાજપના નરહરી અમીન, રામ મોકરીયા, રમીલાબેન બારા ઉપરાંત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પુરો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી આવાસે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 04 Jun 2026 06:19 PM (IST)Updated: Thu, 04 Jun 2026 09:29 PM (IST)
bjp-announces-names-of-rajyasabha-candidates-for-4-seats-in-gujarat-elections-to-be-held-on-june-18
HIGHLIGHTS
  • રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારીયાને તક મળી
  • ભાજપના તમામ ધારાસભ્યોને શનિ-રવિ ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના અપાઈ

Gujarat Rajyasabha Election 2026: ગુજરાતની ખાલી પડેલી 4 રાજ્યસભા બેઠકો પર આગામી 18 જૂને મતદાન થવાનું છે. જેના નૉમિનેશન માટે આખરી તારીખ 8 જૂન છે, ત્યારે આજે ભાજપ દ્વારા પોતાના ચારેય ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાતકરી દેવામાં આવી છે.

ભાજપ દ્વારા ક્યા-ક્યા ઉમેદવારને તક મળી

આ ઉમેદવારોની પસંદગીમાં મોવડી મંડળે ઉમેદવારની પાયાના કાર્યકર, પક્ષ માટે દોડનાર, યુવા અને જાતિનાં સમીકરણને ધ્યાનમાં રાખ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી માટે જે ઉમેદવારો પસંદ કર્યા છે, તેમાં જિતેન્દ્ર કણજારિયા , માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને રાજુભાઇ શુકલને પસંદ કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વતની જિતેન્દ્ર કણજારિયા (39) ભાજપનાં યુવા કાર્યકર છે અને તેઓ જિલ્લા પંચાયતનાં પૂર્વ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. તેઓ શિક્ષિત છે. તેઓ સથવારા સમાજમાંથી (અન્ય પછાત વર્ગ) આવે છે

બીજા ઉમેદવાર માનસિંહ પરમાર (45) ગીર-સોમનાથ જિલ્લાનાં વતની છે અને કારડિયા રાજપૂત સમાજનાં યુવા આગેવાન છે. હાલ તેઓ OBC મોર્ચાના પ્રદેશ પ્રમુખ છે. આ પહેલા તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સક્રિય સભ્ય રહી ચૂક્યા છે. બી.ઇ (કેમિકલ એન્જિનિયરિંગ)નો અભ્યાસ નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અમદાવાદમાંથી કર્યો છે. હાલ કાયદાનો અભ્યાસ (એલ.એલ.એમ) કરી રહ્યા છે.

ત્રીજા ઉમેદવાર મુકેશ રાઠવા (39) આદિવાસી સમાજનાં યુવા આગેવાન છે. છોટા ઉદેપુર જિલ્લાનાં ભાજપનાં સક્રિય કાર્યકર છે. પ્રદેશ યુવા મોર્ચાનાં પુર્વ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. આર્ટસમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને કાયદાનો (એલ.એલ.બી)અભ્યાસ કરી રહ્યા છે.

ચોથા ઉમેદવાર રાજુ શુક્લ (62) ભાજપનાં મહેસાણા જિલ્લાનાં પીઢ કાર્યકર છે. બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. ભાજપનાં વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. કર્મઠ વ્યક્તિત્વ છે. શિક્ષિત છે. એમ.કોમ અને એલ.એલ.બી સુંધીનો અભ્યાસ કરેલો છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં કુલ 181 વિધાનસભા બેઠકો છે, જે પૈકી ભાજપના 161 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. તેમજ એક AAP ધારાસભ્ય સસ્પેન્ડ છે અને બે અપક્ષ ધારાસભ્યો છે.

naidunia_image
naidunia_image

રાજ્યસભાની બેઠક જીતવા માટે જરૂરી મતની સંખ્યા લગભગ 37ની આસપાસ છે. એવામાં ભાજપ પાસે બહુમતના જાદુઈ આંકડા કરતાં વધુ સંખ્યાબળ હોવાથી તમામ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે. આ સાથે જ ગુજરાત તરફથી કોંગ્રેસનું રાજ્યસભા પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ જશે.

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારી

18 જૂનના રોજ યોજાઈ રહેલી રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કસી લીધી છે. જેના માટે ભાજપ દ્વારા 7 જૂનના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક બાદ ધારાસભ્યો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. આ મિટિંગના પગલે ભાજપના તમામ ધારાસભ્યોને 7 અને 8 જૂન રવિવાર અને સોમવારે ફરજિયાત ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

અગાઉ 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રામભાઈ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારા ઉપરાંત કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ ચૂંટાઈ આવ્યા હતા.આ ચારેય રાજ્યસભા સાંસદોની ટર્મ 21 જૂનના રોજ પૂરી થવા જઈ રહી છે.આથી રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો પૈકી ખાલી પડેલી 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે.