Gandhinagar: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં આજથી 3 દિવસ પહેલા અડાલજ સ્થિત નર્મદા કેનાલ નજીક યુગલ પર હીચકારો હુમલો કરીને લૂંટને અંજામ આપનાર હત્યારો સાયકો કિલર પોલીસ સકંજામાં આવી ગયો છે.
કારમાં બર્થ ડે સેલિબ્રેટ કરતાં યુગલ પર છરી વડે હુમલો કર્યો, યુવકનું મોત
ગત 19 સપ્ટેમ્બરની રાતે અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણીનો જન્મદિવસ હતો. આથી વૈભવે પોતાના મિત્રો સાથે શહેરના સિંધુભવન રોડ પર બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતુ.જે બાદ પોતાની એક સ્ત્રી મિત્રને ઝૂંડાલ સ્થિત તેના ઘરે ઉતારીને વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ અડાલજના અંબાપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પહોંચ્યા હતા. જ્યાં અજાણ્યો ઈસમ વૈભવ અને તેની ગર્લફ્રેન્ડની નજીક આવ્યો હતો અને છરી બતાવી 'તમારી પાસે જે કંઈ હોય, તે આપી દો' કહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે વૈભવે કારમાંથી બહાર આવીને પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા ઈસમે છરી વડે હુમલો કરી દીધો હતો. આ સમયે યુવતી વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં વૈભવ ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ ગયો હતો. જ્યારે હુમલાખોર યુવતી પાસેથી મોબાઈલ, કાર સહિતની મત્તા લઈને નાસી છૂટ્યો હતો.
હુમલાખોર ગયા બાદ યુવતી પણ રક્તરંજિત હાલતમાં રોડ પર આવી હતી અને રાહદારીના મોબાઈલથી પોતાના પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બીજી તરફ વૈભવની કાર ઘટના સ્થળથી થોડે આગળ ગયા બાદ બંધ પડી જતાં હુમલાખોર તેને બિનવારસી મૂકીને ભાગી ગયો હતો. આ હુમલામાં વૈભવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે યુવતીને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેના ગળાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી હતી.
બીજી તરફ નવરાત્રિ પૂર્વે જ લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા પોલીસની અલગ-અલગ ટીમો હત્યારાનું પગેરું મેળવવા CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી. આ દરમિયાન ઘટના સ્થળથી દૂર એક જગ્યાએથી CCTV ફૂટેજ હાથમાં લાગ્યા હતા. જેમાં એક શકમંદ શખ્સ બાઈક લઈને કેનાલ પરના સર્વિસ રોડ તરફ નજરે ચડ્યો હતો, જે 2 વાગ્યાની આસપાસ પરત ફરીને દહેગામ તરફ ભાગતો કેમેરામાં કેદ થયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારાની ઓળખ વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમાર તરીકે થઈ છે. જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ જામીન પર મુક્ત થયેલો છે. વિપુલ પરમાર કેનાલ નજીક એકાંત માણતા પ્રેમી પંખીડાઓને ટાર્ગેટ કરવાની મોડસ ઑપરેન્ડી ધરાવે છે.
હત્યારાએ લગ્ન માટે ઘણી છોકરીઓ જોઈ હતી. આટલું જ નહીં, તેણે મેટ્રો મોનિયલ સાઈટ પર પણ નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતુ, પરંતુ મેળ નહતો પડતો. જેના કારણે તે માનસિક રીતે પણ બીમાર થઈ ગયો હતો. આથી તે કોઈ પણ યુગલને જુએ, તો તેમના પર હુમલો કરતો હતો.
આરોપી વિપુલની માતા તેના પતિને છોડીને જતી રહેતા, તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જો કે સાવકી માતા વિપુલને સારી રીતે રાખતી ના હોવાથી તે સતત ઉચાટમાં રહેતો હતો.
