Cabinet Expansion: મંત્રીમંડળમાં સ્થાન ના મળવાથી કોઈ નારાજગી નહીં, મારા માટે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય: જયેશ રાદડિયા

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર તેમ આખા ગુજરાત અને તમામ જાતિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેનાથી હું ખુશ છું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Oct 2025 05:58 PM (IST)Updated: Fri, 17 Oct 2025 05:58 PM (IST)
gandhinagar-news-jetpur-bjp-mla-jayesh-radadiya-happy-for-gujarat-cabinet-expansion
HIGHLIGHTS
  • મંત્રીમંડળમાં ભલે સ્થાન ના મળ્યું, પરંતુ કાર્યકર્તા તરીકે પાર્ટી જે કંઈ કામ સોંપે તે મારી જવાબદારી

Gandhinagar: દિવાળી પહેલા ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની (Gujarat Cabinet Expansion) ચર્ચા ચાલી, ત્યારે એવું કહેવાતું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. જેમાં હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા આ બે પાટીદાર નેતાઓના નામ સૌથી મોખરે હતા. જો કે આજે નવા મંત્રી મંડળના શપથ લેવાઈ ગયા છે, પરંતુ તેમાં આ બન્ને નેતાઓના નામ કપાયા છે. જેને લઈને આજે ગાંધીનગર શપથ વિધિમાં ઉપસ્થિત જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી છે.

જયેશ પટેલે જણાવ્યું કે, નવા મંત્રીમંડળમાં સ્થાન ના મળવાથી મારે કોઈ નારાજગી નથી. હું ખુશ છું. નવા મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર તેમ આખા ગુજરાત અને તમામ જાતિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

હું જ્યારે 30 વર્ષનો હતો, ત્યારે મને આજ ભાજપ સરકારે મંત્રી તરીકેની જવાબદારી સોંપી જ હતી. ભાજપ દ્વારા જે-તે સમયે મને જે જવાબદારી સોંપવામાં આવી હતી, તેને મેં બખુબીથી નિભાવી જ છે. આથી હવે ભાજપ મને જે કામ સોંપે, તે પાર્ટીના કાર્યકર્તા તરીકે નિભાવવાની મારી જવાબદારી છે. મારા માટે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય છે.

જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ મોટું નામ છે. થોડા સમય પહેલા જ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થતાં સૌરાષ્ટ્રમાંથી મંત્રીમંડળમાં જયેશ રાદડિયાનું નામ નક્કી માનવામાં આવતુ હતુ. જો કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈને કામ કર્યું હોવાથી તેમની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.