Amit Shah Gujarat Visit: ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તેઓ આગામી 28 અને 29 મે એમ બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
28 મેના રોજ અમિત શાહના કાર્યક્રમ
અમિત શાહ 28 મેના રોજ પોતાના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ ધરશે. જેમાં આનંદમ પરિવાર સી.એસ.આર ફંડ દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવ લોકાર્પણ, વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કીલોસ્કર મોટર્સ લિમિટેડ સી.એસ.આર. ફંડ દ્વારા નવનિર્મિત વાંચનાલયોનું લોકાર્પણ, અરવિંદ ફાઉન્ડેશન દ્વારા ખાત્રજ ખાતે તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ સામેલ છે.
આ ઉપરાંત મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ખાતે ગામ તળાવ તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવશે. સોનીપુર ખાતે જ ભાજપાના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી બપોરનું ભોજન પણ ગ્રહણ કરશે.
જે બાદમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારી બેઠક યોજાશે અને ત્યારબાદ ચાંદખેડા ખાતે CBSC પ્રાદેશિક કચેરીનું અને સોલામાં ઉમિયાધામ કેમ્પસ ખાતે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.
જ્યારે સાંજે AMC દ્વારા નવા વાડજ ખાતે 'ભારત માતા' નવનિર્મિત સ્કલ્પચરનું લોકાર્પણ અને બાદમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ઓલમ્પિક કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે. 28 મે ના રોજ મોડી સાંજે આ કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ અમિત શાહ કચ્છમાં ભુજ ખાતે જવા રવાના થશે.
