Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટેક્સ ભરનારા નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ રિબેટ સ્કીમ 2026-27ને શહેરીજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત કરદાતાઓને 12 થી 15 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ટેક્સ ભરનારા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
6.77 લાખથી વધુ કરદાતાઓએ લાભ લીધો
અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના 6,77,339 કરદાતાઓએ કોર્પોરેશનની એડવાન્સ રિબેટ ટેક્સ સ્કીમનો લાભ લીધો છે. જેના પરિણામે કોર્પોરેશનની તિજોરીમાં રૂ.761.66 કરોડની આવક જમા થઈ છે.
એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ સમયસર ટેક્સ ભરપાઈ કરીને અમદાવાદીઓએ કુલ રૂ.81.69 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. જો આજની જ વાત કરીએ તો, સાંજે સવા 6 વાગ્યા સુધીમાં 13,046 કરદાતાઓએ ટેક્સ ભર્યો છે. જેનાથી સરકારી તિજોરીને રૂ.24.91 કરોડની આવક થઈ છે.
પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોન મોખરે
અમદાવાદ શહેરના ઝોન મુજબની વિગતો જોઈએ તો, પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનના કરદાતાઓ ટેક્સ ભરવામાં સૌથી આગળ રહ્યા છે. પશ્ચિમ ઝોનમાંથી રૂ. 189.16 કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. 185.34 કરોડની વસૂલાત થઈ છે. આ ઉપરાંત પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ કરદાતાઓનો પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો છે.
યોજનાનો લાભ લેવા માટે હવે ગણતરીના દિવસો બાકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ આ એડવાન્સ રિબેટ સ્કીમ 31 મે 2026 સુધી જ અમલમાં છે. આથી જે કરદાતાઓએ હજુ સુધી પોતાનો પ્રોપર્ટી ટેક્સ નથી ભર્યો, તેઓ આગામી થોડા દિવસોમાં આ યોજનાનો લાભ લઈ 15 ટકા સુધીનું વળતર મેળવી શકે છે. નિયમિત ટેક્સ ભરીને શહેરના વિકાસમાં સહભાગી થવા અને સાથે પોતાની બચત કરવા માટે કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
