Vadodara: વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અસ્વચ્છતા રાખતા ખાદ્યપદાર્થોના વિક્રેતાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરની કડક સૂચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર તેમજ અધિક આરોગ્ય અમલદારના સીધા માર્ગદર્શન હેઠળ, ખોરાક શાખાની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર શહેરમાં એકસાથે આકસ્મિક ચેકિંગની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ખોરાક શાખાની ટીમોએ માંજલપુર, મકરપુરા જી.આઈ.ડી.સી., ગોરવા, નવાયાર્ડ, ન્યૂ સમા રોડ, અને ખંડેરાવ માર્કેટ સહિતના તમામ મુખ્ય વ્યાપારી કેન્દ્રો ખૂંદી વળ્યા હતા. આ વ્યાપક ડ્રાઈવ દરમિયાન હોલસેલ ફ્રુટ વિક્રેતા, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરી અને પાણીના જગવાળા મળીને કુલ 61 જેટલા એકમો પર કડક ઇન્સ્પેક્શન કરાયું હતું.
તપાસ દરમિયાન ભયંકર ગંદકી, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને ફૂડ લાયસન્સનો અભાવ ધરાવતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી સ્થળ પર જ કુલ રૂપિયા 35,000નો દંડ વસૂલ કરાયો હતો. ગંભીર ક્ષતિઓ બદલ 2 એકમોને શિડ્યુલ-4 ની નોટિસ અપાઈ હતી, જ્યારે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 7 યુનિટોને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાયા હતા.
કયા એકમો સામે શું પગલાં લેવાયા?
પીઝીનોઝ પીઝા (માંજલપુર): અત્યંત અસ્વચ્છતા અને પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ. 15,000નો દંડ ફટકારી તાળાં મરાયા.
શેટ્ટીસ કિચન (સમતા): ઘી પોડી રવા ઢોસાનો શંકાસ્પદ નમૂનો લેબોરેટરીમાં મોકલાયો. મેડિકલ સર્ટિફિકેટ ન હોવાથી નોટિસ અપાઈ.
કેરીના હોલસેલર્સ: વેરાઈમાતા ચોક ખાતે જયભોલે કેરી ભંડાર (રૂ. 7500 દંડ), તુળજા કેરી સેન્ટર (રૂ. 5000 દંડ) અને જલારામ કેરી સેન્ટર (લાયસન્સ વિના) મળી ત્રણેય યુનિટ બંધ કરાયા. ખંડેરાવ માર્કેટ પાછળ ઈશ્વરવર જેવુમલ અને એલ.જે. ફ્રુટ્સ (રૂ. 2500 દંડ) તેમજ ભક્તિ ફ્રુટ્સ (રૂ. 5000 દંડ) લાયસન્સ વિના ગેરકાયદે ચાલતા હોવાથી સીલ કરાયા.
આ ઉપરાંત બરોડા, એવન, બજરંગ અને ગાયત્રી જેવી આઈસ ફેક્ટરીઓ તથા શ્રીજી બેવરેજીસ અને સાઈ સાગર સહિતના પાણીના જગ સપ્લાયર્સને ત્યાં પણ સઘન તપાસ હાથ ધરાઈ હતી.
મોબાઈલ વાન દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ અને ટ્રેનિંગ
સમગ્ર કાર્યવાહી દરમિયાન મનપાની મોબાઈલ ટેસ્ટિંગ વાન પણ એક્શનમાં રહી હતી. ડેરીડેન સર્કલ અને સુભાનપુરા વિસ્તારમાં 27 જેટલા લારી-ગલ્લા પર જઈને મરચા પાવડર, કેરીનો રસ, પનીર અને ચીઝ સહિતના આશરે ૫૨ ખાદ્યપદાર્થોના નમૂનાનું પ્રાથમિક ટેસ્ટિંગ કરાયું હતું. સાથે જ 39 ફૂડ વેન્ડર્સને શુદ્ધતા અને હાઈજિન જાળવવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે તેવી ચીમકી આરોગ્ય વિભાગે આપી છે.
