ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં માતબર વધારો કર્યો

હવે ખેડૂત દીઠ 3500 કિલો (175 મણ) બાજરી, મકાઈ 2500 કિલો (125 મણ) અને જુવાર 1700 કિલો (85 મણ)ની ખરીદી કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Jun 2026 04:22 PM (IST)Updated: Wed, 10 Jun 2026 04:22 PM (IST)
gandhinagar-news-gujarat-govt-purchase-limit-of-millet-maize-and-sorghum-per-farmer-at-support-price
HIGHLIGHTS
  • કૃષિ મંત્રી, અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી તેમજ કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક બાદ લેવાયો નિર્ણય

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાના સફળ દિવસોની ઉજવણીના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી રમણ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.

રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2,000 કિલો (100 મણ) હતી, તેને વધારીને હવે 3,500 કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.

આ જ રીતે મકાઈની ખરીદી મર્યાદા પણ 1,500 કિલો (75 મણ)થી વધારીને હવે 2,500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1,000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1,700 કિલો (85 મણ) કરી છે. આમ રાજ્ય સરકારે બાજરીમાં 1,500 કિલો (75 મણ), મકાઈમાં 1,000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો છે.

વધુમાં કૃષિ મંત્રીએ ઉમેર્યું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના આ નૂતન અભિગમથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે.

રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને જે આર્થિક સુરક્ષા આપવામાં આવી છે, તેને આગળ ધપાવતા રાજ્ય સરકારે ખેડૂતોની લાગણી અને માંગણીઓને માન આપીને આ સુધારો કર્યો છે.