Parama Ekadashi Vrat Katha: આર્થિક તંગી દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે વાંચો પરમા એકાદશીની વ્રત કથા

પરમા એકાદશીની પૂજાથી યક્ષરાજ કુબેર ધનના દેવતા બન્યા હતા. તેમજ હરિશચંદ્ર પણ રાજા બન્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Jun 2026 04:09 PM (IST)Updated: Wed, 10 Jun 2026 04:09 PM (IST)
read-the-parama-ekadashi-vrat-katha-to-overcome-financial-difficulties-and-attain-happiness-and-prosperity
HIGHLIGHTS
  • દર ત્રણ વર્ષે એકવાર આવતી પરમા એકાદશી આ વર્ષે 11 જૂનના રોજ આવશે

Parama Ekadashi Vrat Katha 2026: હિન્દુ પંચાગમાં અધિક માસનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ માનવામાં આવ્યું છે. એવામાં આ પવિત્ર મહિનામાં આવતી અગિયારસની તિથિનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. અધિક માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર અગિયારસનું પાવન વ્રત 11 જૂન એટલે કે આવતીકાલે રાખવામાં આવશે.

ખાસ વાત એ છે કે, પરમ એકાદશી દર ત્રણ વર્ષે એકવાર આવે છે, જેના પરિણામે તેનું ધાર્મિક મહત્ત્વ વધારે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, શ્રદ્ધા પૂર્વક અને નિયમોનું પાલન કરીને પરમા અગિયારસનું વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

દરેક અગિયારસનું મહત્ત્વ અને તેની સાથે સંકળાયેલી કથાનું શાસ્ત્રોમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, પરમા એકાદશીની કથા વાંચવા અને સાંભળવાથી દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. આજે અમે આપને પરમા એકાદશીની રોચક કથા વિશે અહીં જણાવવા જઈ રહ્યા છીએ.

પરમા એકાદશીની કથા

પૌરાણિક કથા અનુસાર, કામ્પિલ્ય નગરીમાં સુમેધા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે ધર્મનું પાલન કરતો હતો. સુમેધા અને તેની પત્ની ખૂબ જ ધાર્મિક હતા અને પૂજા-પાઠ સાથે સંકળાયેલ તમામ કઠોર નિયમોનું ચુસ્ત પાલન કરતા હતા.

જો કે પૂર્વ જન્મના કોઈ પાપના કારણે આ બ્રાહ્મણ દંપત્તિ ખૂબ જ ગરીબ હતુ. તેમના ઘરમાં અન્નનો એક દાણો પણ નહતો. બ્રાહ્મણની પત્ની દયાળુ હતુ, જે પોતે ભૂખી રહીને પણ દ્વાર પર આવેલા અતિથિને અનાજ આપતી હતી.

એકવાર કૌણિડન્ય ઋષિ દંપત્તિના ઘરે આવ્યા, જ્યાં બન્ને જણાએ ઋષિની હ્રદયપૂર્વક સેવાચાકરી કરી હતી. આથી પ્રસન્ન થયેલા ઋષિએ તેમને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે દંપત્તિએ દરિદ્રમાંથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય માંગ્યો હતો.

આથી ઋષિએ દંપત્તિને અધિક માસની પરમા એકાદશીનું વ્રત રાખવા માટે કહીને તેનું મહત્ત્વ સમજાવ્યું હતુ. પરમા એકાદશીનું વ્રત રાખવાથી દુઃખ, દરિદ્રતા અને પાપ કર્મોનો કાયમ માટે નાશ થાય છે.

ઋષિએ જણાવ્યું કે, પરમા એકાદશીની પૂજાથી યક્ષરાજ કુબેર ધનના દેવતા બન્યા હતા અને હરિશચંદ્ર રાજા બન્યા હતા. પરમા એકાદશીનું વ્રત પાંચ દિવસ કરવાથી જીવનમાં ધન સબંધિત તમામ સંકટ ટળી જાય છે.

જે બાદ બ્રાહ્મણની પત્નએ પરમા એકાદશીનું વ્રત રાખ્યું અને નિયમોનું પાલન કરતાં ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. જેથી ભગવાન વિષ્ણુ સ્વયં પ્રકટ થઈને બ્રાહ્મણ દંપત્તિની દરિદ્રતા દૂર કરી અને આશીર્વાદ આપ્યા હતા.