Sugarcane Prices: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓએ શેરડી પકવતા ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે.
આ અંગે વિગતો આપતા રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દેશની ખાંડ મંડળીઓ સામાન્ય રીતે શેરડી પકવતા ખેડૂતોને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા FRP (ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈઝ) મુજબના ભાવો ચૂકવતી હોય છે.
ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓએ માત્ર ખાંડ જ નહીં, પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને કો-જનરેશન દ્વારા વીજ ઉત્પાદન સહિતની વિવિધ બાય-પ્રોડક્ટ્સમાંથી પ્રાપ્ત થતી આવકનો મહત્તમ લાભ પણ ખેડૂતો સુધી પહોંચાડ્યો છે. જેના પરિણામે, ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશા વધુ ભાવો પ્રાપ્ત થયા છે.
ભૂતકાળમાં ઇન્કમટેક્સ વિભાગે FRPથી વધુ ચૂકવાયેલા ભાવોને નફો ગણીને ગુજરાતની વિવિધ ખાંડ સહકારી મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. વર્ષ 2007-08 થી 2014-15 ના સમયગાળાને લગતા જટિલ મુદ્દે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ ઉપર અંદાજિત રૂ. 1,500 કરોડ જેટલો આર્થિક બોજો આવવાની સ્થિતિ સર્જાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કર્યા બાદ કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય સહકાર મંત્રાલયના પ્રયાસોથી વર્ષ 202૩માં ઇન્કમટેક્સ કાયદાની જોગવાઈઓમાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ, રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને ઇન્કમટેક્સના હેતુ માટે માન્યતા આપવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સહકાર મંત્રાલયે કરેલા આ સુધારાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આપેલા અહેવાલ અને ભલામણોને હકારાત્મક પ્રતિસાદ આપતાં ગુજરાત સરકારે ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપવાનો ક્રાંતિકારી ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.
આ નિર્ણય બદલ વડાપ્રધાન, કેન્દ્રીય સહકાર મંત્રી તથા મુખ્યમંત્રીનો ખાંડ સહકારી મંડળીઓ અને ખેડૂતો વતી આભાર વ્યક્ત કરતા મંત્રી વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.
રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ હાલમાં બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધી ચુકવણી કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સહકારી ક્ષેત્રના પાયાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
