ગુજરાતના શહેરી પરિવહનને વેગ આપવા સરકારનો મહત્ત્વનો નિર્ણય, નવસારી, વાપી અને પાલનપુરમાં નવા 17 રૂટને મંજૂરી

અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરીકોના સમય અને નાણાં બંનેની બચત થશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 03:21 PM (IST)Updated: Thu, 30 Apr 2026 03:21 PM (IST)
gandhinagar-news-gujarat-government-approves-17-new-city-bus-routes-to-boost-urban-transport
HIGHLIGHTS
  • રાજ્યના ત્રણ મહત્વના શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે

Gandhinagar: ગુજરાતના નગર અને મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારી અને આધુનિક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવા માટે નવા રૂટની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવા 17 રૂટને લીલી ઝંડી આપવામાં આવતા હવે રાજ્યના ત્રણ મહત્વના શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

આ મંજૂરી અન્વયે નવસારી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા 7 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. નવસારીમાં આ રૂટ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે સરળ અને સસ્તી પરિવહન સેવા ઉપલબ્ધ થશે.

આવી જ રીતે વાપી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા 4 રૂટની મંજૂરી આપવામાં આવી છે. વાપી જેવા ઔદ્યોગિક હબમાં નવા બસ રૂટ શરૂ થવાથી શ્રમિકો અને નોકરિયાત વર્ગને અવરજવર માટે મોટી રાહત મળશે અને ખાનગી વાહનોની નિર્ભરતામાં ઘટાડો આવશે.

naidunia_image

પાલનપુર નગરપાલિકા વિસ્તારના વિકાસને ધ્યાને રાખીને ત્યાં પણ નવા 6 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં બસ સેવાનો વ્યાપ વધતા આસપાસના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને તેનો સીધો લાભ મળશે. સરકારના આ આયોજનબદ્ધ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.

આ નવા 17 રૂટ શરૂ થવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની રોજિંદી મુસાફરીને સુવિધાયુક્ત અને સમયબદ્ધ બનાવવાનો છે. અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરીકોના સમય અને નાણાં બંનેની બચત થશે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

રાજ્ય સરકારની આ યોજના હેઠળ આધુનિક બસો દ્વારા નાગરિકોને સલામત સવારીનો અનુભવ કરાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે, જે અંતે શહેરોના સર્વાંગી વિકાસમાં પૂરક સાબિત થશે.