Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અંગદઝાડજી અસહ્ય લૂથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંતે લોકોને રાહત મળે તેવા સમાચાર આપ્યા છે. હકીકતમાં ગુજરાતના ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તેવા 2026ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ મહત્ત્વનું પુર્વાનુમાન વ્યક્ત કર્યુ છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું જ રહેવાનું છે. જો કે વાવણીની પ્રક્રિયામાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. એટલે કે ગત વર્ષે જ્યાં બે તબક્કામાં વાવણી થઈ હતી, તેની જગ્યાએ આ વર્ષે ત્રણ તબક્કામાં વાવણી થાય તેવી પૂરી શક્યતાઓ છે.
કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થશે
મોટાભાગે ભારતમાં પહેલી જૂને કેરળના કાંઠે ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વર્ષે તે 2-3 દિવસ વહેલું આવી કેરળ પહોંચી શકે છે. કેરળમાં ભલે ચોમાસું વહેલું આવે, પરંતુ ગુજરાતમાં તો વિલંબથી જ આવશે.
ભૂતકાળમાં ચોમાસું મુંબઈ પાસે આવીને અટકી ગયુ છે. આમ આ વર્ષે પણ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના પરિણામે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ શકે છે.
22 જૂનથી વરસાદનો રાઉન્ડ મોટાભાગના ગુજરાતને આવરી લેશે
જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં સતત ઉકળાટ અને બફારો રહેશે. આ દરમિયાન કોઈ-કોઈ જગ્યાએ સામાન્ય છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, જેને ખેડૂતોની ભાષામાં 'ધૂળિયા વરસાદની વાવણી' અથવા 'કરડક ભરડક' વાવણી કહી શકાય
11 થી 15 જૂન દરમિયાન તાપમાન ઊંચું રહેશે, પરંતુ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. જોકે, આ વરસાદ બહુ મોટા વિસ્તારોમાં નહીં પણ અમુક સીમિત વિસ્તારોમાં જ જોવા મળશે.
22 થી 25 જૂન: આ સેશન ગુજરાત માટે અતિ મહત્વનું સાબિત થશે. 22 જૂનથી શરૂ થનારા આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક ભાગો અને કચ્છના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થશે, જે મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે.
ઉત્તર ગુજરાત અને એકંદરે સ્થિતિ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જૂન મહિનામાં કદાચ ઓછો વરસાદ રહે, પરંતુ અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદને કારણે સમગ્ર ગુજરાતની જૂન મહિનાની સરેરાશ નોર્મલ રહેશે.
જૂન મહિનામાં જે વિસ્તારોમાં વાવણી બાકી રહેશે, ત્યાં 2 થી 7 જુલાઈ વચ્ચેના ત્રીજા તબક્કામાં વાવણીનો લાભ મળે તેવી પુરી શક્યતા છે. ખેડૂતોને અત્યારે ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે, પરંતુ 22 જૂન પછી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.
