Gandhinagar: ખનીજ ચોરી સામે ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સની નીતિ, વસૂલાત વધીને રૂ.252.09 કરોડ પર પહોંચી

જીઓમાઇન એપ દ્વારા અત્યાર સુધીમાં 8,406 કેસો નોંધી રૂ. 107.89 કરોડની વસૂલાત કરાઈ. 1.04 લાખથી વધુ વાહનોને GPS ટ્રેકિંગ સાથે જોડી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Mar 2026 09:41 PM (IST)Updated: Tue, 17 Mar 2026 09:41 PM (IST)
gandhinagar-news-gujarat-boosts-mineral-sector-with-transparent-e-auction-system-says-minister-rushikesh-patel
HIGHLIGHTS
  • નાના ખેડૂતો અને જમીન માલિકો માટે વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા 'ડાયરેક્ટ એલોટમેન્ટ'ની વ્યવસ્થા ઉભી કરાઈ
  • વલસાડ અને નવસારી જિલ્લામાં વેનેડિયમ અને ટાઇટેનિયમ માટે નવા ખનીજોના સંશોધનનું કાર્ય પ્રગતિમાં

Gandninagar: રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની 'રત્નગર્ભા' ભૂમિના ખનીજ સ્ત્રોતોનું પારદર્શક અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન કરવામાં આવે છે. તેમ વિધાનસભા ગૃહ ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના ખાણ અને ખનીજ પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પર મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, ખનિજ ખરીદીમાં પારદર્શિતા લાવવા માટે વર્ષ 2014 પહેલાંના ભ્રષ્ટાચારયુક્ત 'વહેલા તે પહેલા'ના ધોરણને સ્થાને વર્તમાન સરકારે 'મિનરલ ઓક્શન રૂલ્સ-2015' અને 'ગુજરાત ગૌણ ખનિજ છુટછાટ નિયમો-2017' દ્વારા ઈ-હરાજીની પદ્ધતિ અમલમાં મૂકી છે.

અત્યાર સુધીમાં ગૌણ ખનીજના કુલ 2622 બ્લોક્સ અને મુખ્ય ખનીજના 57 બ્લોક્સની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી છે. હરાજી પ્રક્રિયાથી રાજ્ય સરકારને અત્યાર સુધીમાં રૂ. 66.84 કરોડની આવક થઈ છે. આગામી 30 વર્ષમાં રોયલ્ટી પેટે રૂ. 4704.47 કરોડ અને ઓક્શન પ્રીમિયમ પેટે રૂ. 10,088.43 કરોડની આવક થવાનો અંદાજ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નાના ખેડૂતો અને જમીન માલિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનાવવા 12 ઓક્ટોબર, 2022ના રોજ કરવામાં આવેલા સુધારાથી 'ડાયરેક્ટ એલોટમેન્ટ' એટલે કે સીધી ફાળવણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ખાનગી જમીન માલિકો હવે ઈ-હરાજી વગર 4 હેક્ટરની મર્યાદામાં સીધી અરજી દ્વારા ક્વોરી લીઝ મેળવી શકે છે. આ અંતર્ગત મળેલી 1024 અરજીઓમાંથી 738 અરજીઓને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે, જે 'ઈઝ ઓફ લિવિંગ'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આગામી વર્ષની નવી બાબતો વિશે જણાવતાં મંત્રીએ કહ્યું કે, રાજ્યના ખનીજ ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક નવીન પ્રયાસો કરવામાં આવશે. ક્રિટિકલ મિનરલ્સ અને REE સંશોધન માટે ક્લીન એનર્જી અને હાઈ-ટેક સેક્ટર માટે અનિવાર્ય એવા રેર અર્થ એલિમેન્ટ્સ (REE) માટે છોટાઉદેપુરના અંબાડુંગર, દાહોદ અને પંચમહાલમાં ઘનિષ્ઠ સંશોધન શરૂ કરાયું છે.

વલસાડ અને નવસારી જિલ્લામાં વેનેડિયમ અને ટાઇટેનિયમ માટે નવા ખનીજોના સંશોધનનું કાર્ય પ્રગતિમાં છે. ગાંધીનગર ખાતે શારકામ દરમિયાન પ્રાપ્ત થતા ખનિજ નમૂનાઓની સાચવણી માટે અત્યાધુનિક કોર લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે. REEના પૃથ્થકરણ માટે એક ખાસ ડેડિકેટેડ લેબોરેટરી સ્થાપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આગામી 5 વર્ષમાં 8 મહત્વપૂર્ણ ખનિજો માટે 189 નવા બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને કચ્છમાં બોક્સાઇટ, લાઇમસ્ટોન અને લીથીયમ સંશોધન માટે રૂ. 22.53 કરોડ મંજૂર કરાયા છે. ગુજરાત મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટમાં ફેબ્રુઆરી-2026 સુધીમાં રૂ.12.78 કરોડની વસૂલાત થઈ છે, જેનો ઉપયોગ નવા ખનીજોની શોધ માટે થશે. મધ્ય ગુજરાતમાં ખનિજ ચોરી રોકવા વડોદરા ખાતે નવી ફ્લાઈંગ સ્ક્વોર્ડ કચેરી શરૂ કરવામાં આવશે.

રાજ્ય સરકાર ખનિજ ચોરી સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી માટે સરકારે દંડ અને શિક્ષાની જોગવાઈઓમાં ધરખમ વધારો કર્યો છે. ગેરકાયદે વહન માટેનો દંડ રૂ. 2500 થી વધારીને રૂ. 5000 પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે. વાહનના પ્રકાર મુજબ રૂ. 25,000 થી 2,00,000 સુધીની 'કમ્પાઉન્ડિંગ ફી' દાખલ કરાઈ છે.