Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલ ભર્યા વગર વીજળી વાપરતા ગ્રાહકો સામે આજથી PGVCL દ્વારા ‘મેગા ડિસકનેકશન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. આજે સવારથી સજજડ પોલીસ બંદોબસ્ત વચ્ચે PGVCLની ટુકડીઓ વિવિધ શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરી પડી છે અને બાકીદારોના દરવાજે ટકોરા દઇ વીજ જોડાણો ઉપર કાતર ફેરવવાનું શરૂ કરાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 67 લાખ જેટલા બાકીદારો પાસેથી વીજબીલની વસુલાત માટે 15 દિવસ પહેલા પણ મેગા ડિસ કનેકશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી. જે બાદ આજે આ ડ્રાઇવનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે.
PGVCL અને પોલીસે ગેરકાયદેસર વીજ કનેક્શનો શોધવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં પીજીવીસીએલની ટીમો અને પોલીસ કર્મચારીઓ જોડાયા છે.
આ કાર્યવાહી દરમિયાન બુટલેગરો અને અસામાજિક તત્વોના ઘરોમાંથી મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. ખાસ કરીને, લાખણકા ગામમાં સરપંચ સહિતના કેટલાક લોકોના ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શનો મળી આવ્યા હતા.
પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ ગેરકાયદેસર વીજ કનેક્શનો ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી, હીટર અને એસી સહિતનો મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ અંગે માહિતી આપી હતી.
ઉપલેટાના ભાયાવદર PGVCL સબડિવિઝનના ડેપ્યુટી ઇન્જિનિયર મોદીની યાદી મુજબ રાજકોટ જિલ્લાના તમામ વીજ ગ્રાહકો માટે એક ચેતવણી રિલીઝ કરવામાં આવેલ છે. જેમાં જે વીજ ઉપાભોકતા ગ્રાહકોએ લાઈટ બિલની રકમ સમયસર ભરપાઈ નથી કરેલ, તેવા તમામ ગ્રાહકો માટે આજ તારીખ 17 માર્ચની ડેડલાઇન જાહેર કરી સોશિયલ મીડિયા મારફતે ચેતવણી આપવામાં આવી હતી.
ભાયાવદર સબડિવિઝનની યાદી મુજબ રાજકોટ કોર્પોરેટર ઓફિસની સૂચના મુજબ ભાયાવદર સબડિવિઝન ના વીજ ઉપભોકતા ગ્રાહકો માટે બાકી રહેલ રકમ ભરપાઈ ઓનલાઇન કે કેશ ભરપાઈ કરી આપવી અન્યથા પીજીવીસીએલ ના કર્મચારીઓ આવા ગ્રાહકોના કનેક્શન કાપી નાખશે અને જયારે રકમ ભરપાઈ થશે ત્યાર બાદ જ ફરી કનેકશન જોડવામાં આવશે.રી-કનેકશનનો ચાર્જ લઇ KYC કર્યા બાદ ફરીથી કનેકશન ચાલુ કરવામાં આવશે. જેની ગ્રાહકોએ ગંભીર નોંધ લઇ બાકી વિજ બિલ તુરંત ભરી દેવા જણાવેલ છે.
