Gandhinagar: વિધાનસભાના બજેટ સત્રમાં ‘કુંવરબાઈનું મામેરુ’ યોજના (Kunverbai Nu Mameru Scheme) અંતર્ગત સહાય વિશેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની તથા આર્થિક પછાત વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગે આર્થિક સહાય પેટે રૂ.12,000ની સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત તા. 31/12/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં 13,880 કન્યાઓને કુલ રૂ. 1665.60 લાખની, જ્યારે મહેસાણા જિલ્લામાં 5022 કન્યાઓને કુલ રૂ. 602.6૪ લાખની આર્થિક સહાય સીધી જ તેમના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ કહ્યું કે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતાં કુટુંબની કન્યાઓએ લગ્નની તારીખથી બે વર્ષના સમયગાળામાં ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. આ અરજી તબક્કાવાર ચકાસણી બાદ જિલ્લાકક્ષાએ મંજૂર કે નામંજૂર કરવામાં આવે છે.
જેના આધારે ઓનલાઈન મંજૂર થયેલી અરજીઓમાં લાભાર્થીઓને સહાયની રકમ DBT (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર) મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આમ, કુંવરબાઈનું મામેરુ યોજના સંપૂર્ણપણે ઓનલાઈન હોવાથી લાભાર્થીને ઘરેબેઠાં તેનો લાભ મળે છે અને પારદર્શિતા પણ જળવાઈ રહે છે.
