Gujarat Budget 2026: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. 15 લાખની લોન મળશે

સામાજિક ન્યાય અને સશક્તીકરણ માટે રૂ.15,254 કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર. કન્યાઓ માટે શૈક્ષણિક લોન માત્ર 3.5 ટકા અને સ્વરોજગાર માટે 4 ટકા વ્યાજદર, દાખલા સીધા વ્હોટ્સએપ પર મળશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Mar 2026 03:42 PM (IST)Updated: Sat, 14 Mar 2026 03:42 PM (IST)
gujarat-budget-2026-rs-15-lakh-overseas-study-loan-for-sc-students-rs-15254-crore-allocated-for-social-justice
HIGHLIGHTS
  • શિક્ષણમાં સામાજિક ક્રાંતિ: શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા રૂ.2.50થી વધારી રૂ.6 લાખ કરાઈ
  • 'કુંવરબાઈનું મામેરું' યોજનામાં રૂ.12,000ની સહાય અને આવાસ યોજનાઓ માટે રૂ.375 કરોડની ફાળવણી

Gujarat Budget 2026: ‘સહાયથી સશક્તીકરણ અને સશક્તીકરણથી સમાનતા’ના મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્યરત છે. આ માટે રાજ્યના અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને દિવ્યાંગોના સર્વાંગી ઉત્કર્ષ માટે અંદાજપત્રમાં કુલ રૂ.15,254.47 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.

ડૉ.બાબાસાહેબ આંબેડકરે કહ્યું છે કે, શિક્ષણ એ કોઈ પણ સમાજના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આ સરકાર રાજ્યના છેવાડાના માનવીને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે પગભર કરવા માટે કટિબદ્ધ છે.

આ અંગે વિગતો આપતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, બજેટમાં શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ માટે રૂ.663.80 કરોડ, વિકસતી જાતિ કલ્યાણ માટે અંદાજે રૂ.1654.33 કરોડ મળી કુલ રૂ.2318.13 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જ્યારે આર્થિક ઉત્કર્ષ, આરોગ્‍ય, વસવાટ અને અન્‍ય સામાજિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.380.27 કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ.349.00 કરોડની મળી કુલ રૂ.729.27 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ સિવાય વિચરતી-વિમુક્ત જાતિઓ માટે રૂ.170.22 કરોડ, લઘુમતી વિકાસની વિવિધ યોજનાઓ માટે બજેટમાં રૂ.56.04 કરોડ અને બિનઅનામત વર્ગો માટે રૂ.584.28 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને છાત્રાલય સુવિધાઓમાં વધારો કરવા લેવાયેલા મહત્ત્વના નિર્ણયો વિશે વાત કરતાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું કે શિક્ષણને સામાજિક પરિવર્તનનું મુખ્ય શસ્ત્ર ગણાવીને વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ માટે રાજ્યમાં કાર્યરત 1289 ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને 270 આશ્રમ શાળાઓ દ્વારા હજારો બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની સુવિધા અપાઈ રહી છે. સરકારે આ સંસ્થાઓમાં રહેતાં વિદ્યાર્થીઓની માસિક નિભાવ ગ્રાન્ટમાં રૂ.340નો વધારો કરી તેને રૂ.2500 કરી છે.

આ જ પ્રકારે, અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં આવક મર્યાદા રૂ.2.50 લાખથી વધારીને રૂ.6 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને રૂ.15 લાખ સુધીની લોન આપવા માટે રૂ.135 કરોડની ફાળવણી કરાઈ છે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હૂંફ આપવા માટે આવાસ યોજનાઓને પ્રાધાન્ય અપાયું છે. જે અંતર્ગત, પંડિત દીનદયાળ આવાસ યોજના (વિકસતી જાતિ) માટે રૂ.265 કરોડ અને ડૉ. આંબેડકર આવાસ યોજના (અનુસૂચિત જાતિ) માટે રૂ.110 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓને રૂ.12,000ની સહાય માટે રૂ.102 કરોડ ફાળવવામાં આવ્યા છે.

દિવ્યાંગો અને વૃદ્ધોની સંભાળ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને સુવિધાઓ વિશે ડૉ. વાજાએ કહ્યું કે તેઓ પણ 'અધિકારપાત્ર નાગરિક' જ છે એવું રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે. પરિણામે, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓ માટે રહેણાંક અને ડે-કેર સુવિધાઓ માટે રૂ.5.52 કરોડ ફાળવ્યા છે.

જ્યારે દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા રહે તે માટે ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેરની સુવિધા અને દિવ્યાંગતાની ટકાવારીમાં રાહત આપવાના નિર્ણયો લેવાયા છે. નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોના પેન્શન માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે.

આ સિવાય, વર્ષ 2026-27ના અંદાજપત્રમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કરવામાં આવેલી નવી જોગવાઈઓ અને મહત્ત્વના પ્રસ્તાવો આ મુજબ છે:

  • લોન વ્યાજદરમાં એકસૂત્રતા: શૈક્ષણિક અને સ્વરોજગાર લોન માટે નવા વ્યાજદરો નક્કી કરાયા છે. શૈક્ષણિક લોનમાં કન્યાઓ માટે 3.5 ટકા અને કુમારો માટે 4 ટકા, જ્યારે સ્વરોજગાર લોનમાં સ્ત્રીઓ માટે 4 ટકા અને પુરુષો માટે 5 ટકા વ્યાજદર રહેશે.
  • આવક મર્યાદામાં વધારો: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા હવે રૂ.6 લાખ સુધી કરવામાં આવી છે (જે માટે રૂ.18 કરોડની નવી જોગવાઈ)
  • નિભાવ ગ્રાન્ટમાં વધારો: ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓમાં પ્રતિ વિદ્યાર્થી માસિક ગ્રાન્ટ રૂ.2160 થી વધારીને રૂ.2500 કરવામાં આવી.
  • નવા ભવનો અને છાત્રાલયો: પાટણ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં રૂ.85 કરોડના ખર્ચે સરકારી છાત્રાલયોનું બાંધકામ થશે. મોડાસા, ભુજ અને મુંદ્રામાં રૂ.35 કરોડના ખર્ચે આદર્શ નિવાસી કન્યા શાળાઓ બનશે.
  • ડિજિટલ સેવાઓ: હવે આવકના દાખલા ઓનલાઇન અરજી દ્વારા વ્હોટ્સએપ અને ડીજીલોકરમાં સીધા મેળવી શકાશે.
  • સંકલ્પભૂમિ સ્મારક: વડોદરા ખાતે રૂ.28.47 કરોડના ખર્ચે ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં 'સંકલ્પભૂમિ સ્મારક અને સંગ્રહાલય'નું નિર્માણ અંતિમ તબક્કામાં છે.
  • નશામુક્તિ કેન્દ્રો: રાજ્યની 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા ડી-એડિક્શન સેન્ટર સ્થાપવા રૂ.14.90 કરોડની જોગવાઈ.
  • તબીબી સહાયમાં વધારો: વિવિધ રોગો માટે અપાતી તબીબી સહાયમાં રૂ.1200 થી રૂ.2000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે
  • પારદર્શિતા અને સુશાસન: 'ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર' (DBT) ના માધ્યમથી વચેટિયાઓની નાબૂદી થઈ છે અને સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં પહોંચી રહી છે.
  • સામાજિક સમરસતા: રાજ્યમાં 23 સમરસ છાત્રાલયો કાર્યરત છે અને નવાં 25 છાત્રાલયો બનાવવાનું આયોજન છે, જ્યાં દરેક જાતિના વિદ્યાર્થીઓ સાથે રહીને શિક્ષણ મેળવશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રાજ્યમાં વસતાં દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન આપવાનો એક મજબૂત નિર્ધાર રજૂ છે.

આમ, વિધાનસભા ગૃહમાં વર્ષ 2026-27 માટેની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.