Gandhinagar: ખેડૂતોને માવઠાથી થયેલા પાક નુકસાન સામે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા, મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે

તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Nov 2025 08:34 PM (IST)Updated: Fri, 07 Nov 2025 08:34 PM (IST)
gandhinagar-news-government-of-gujarat-relief-package-for-farmers-for-crop-damage-due-to-unseasonal-rains
HIGHLIGHTS
  • પિયત અને બિન પિયત પાકો માટે એકસમાન ધોરણે સહાય આપવાનો ઐતિહાસિક નિર્ણય

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.

રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહ્યા છે.

આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ ઉદારતમ સહાયથી અપનાવ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે, તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.

આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા.

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી.

આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી.

મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા, અર્જુન મોઢવાડિયા તથા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલું આ ઉદારતમ સહાય પેકેજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર બેઠા થઈને પૂર્વવત થવામાં મદદરૂપ નીવડશે.