Gandhinagar: ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન સમયે ઓક્ટોબર મહિનાના અંતમાં તૂટી પડેલા કમોસમી માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે રૂ. 10 હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે.
દિવાળી બાદ અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ગુજરાતના 34 જિલ્લાના 249 તાલુકાના 160000થી વધુ ગામોમાં આવેલ અંદાજે 10-12 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકને મોટું નુકસાન થયું હતુ. માવઠાના કારણે પોતાની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો હાથેપગે થઈ ગયા હતા. જેના પગલે સરકાર ઉદાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી રહી હતી.
આ માટે સરકારે કૃષિ વિભાગ પાસેથી જિલ્લા-તાલુકા, ગ્રામ દીઠ નુકસાનીનો અંદાજ મેળવી લીધો હતો. મહેસૂલ વિભાગે ખેડૂતોને સહાય ચૂકવવાપાત્ર નિયમો અને ટકાવારી પણ નક્કી કરી લીધી હતી. જ્યારે સરકારે તેના બજેટમાંથી ઉમેરવા લાયક વધારાની રકમની પણ જોગવાઈ કરી લીધી હતી.
જો કે NDRF અને SDRFના ધારાધોરણો મુજબ, 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો જ ખેડૂતોને વળતર ચૂકવવાની જોગવાઈ હતી. જ્યારે સરકાર 33 ટકાથી ઓછુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ નુકસાની પ્રમાણમાં સહાય આપવાનું વિચારી રહી હતી. જેના પગલે ખેડૂતોના વળતરની વાત આગળ વધતી નહતી.
આખરે સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. જેના અંતે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે ખુદ મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપી છે. જેમાં જણાવ્યા મુજબ, છેલ્લા 2 દાયકામાં ના પડ્યો હોય, તેવા અસાધારણ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મામલે સાથી મંત્રીઓ તેમજ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
અમારી સરકાર કુદરતી આપત્તીની આ ઘડીમાં ધરતી પુત્રોની પડખે ઉભી છે. ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે ધરતી પુત્રોને રૂ. 10 હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે છે.
આ ઉપરાંત આગામી 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 15 હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીન સહિતની ખરીદી પણ કરવામાં આવશે.
