ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારોની સામુહિક બદલીના ઓર્ડર છૂટ્યા

જે કર્મચારીઓ હાલમાં SIR (મતદાર યાદી સુધારણા) ની કામગીરીમાં રોકાયેલા છે, તેઓએ આ કામગીરી પૂર્ણ થયા બાદ જ છૂટા થવાનું રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 11:23 PM (IST)Updated: Tue, 27 Jan 2026 11:23 PM (IST)
gandhinagar-news-government-of-gujarat-issues-new-transfer-orders-for-deputy-mamlatdars-and-talatis
HIGHLIGHTS
  • અમદાવાદના નાયબ મામલતદાર આરતીબેન ગોહિલને જૂનાગઢ મૂકાયા

Gandhinagar: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને કર્મચારીઓની રજૂઆતોને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ હસ્તકના નાયબ મામલતદાર (વર્ગ-3) અને મહેસૂલી તલાટી (વર્ગ-3) સંવર્ગના અનેક કર્મચારીઓની જિલ્લા ફેરબદલીના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે.

નાયબ મામલતદારોની બદલી
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની સંબંધિત કલેક્ટર મારફત મળેલી અરજીઓના આધારે કાળજીપૂર્વકની વિચારણા બાદ આ ફેરબદલી કરવામાં આવી છે.

આ હુકમ અન્વયે અમદાવાદ, ડાંગ, બનાસકાંઠા, અને પંચમહાલ સહિતના વિવિધ જિલ્લાના કર્મચારીઓને જૂનાગઢ, આણંદ, વડોદરા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં નિમણૂક માટે ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદના આરતીબેન બી. ગોહિલની જૂનાગઢ અને ડાંગના દિપેશ ધીરુભાઈ ભીલની આણંદ ખાતે બદલી કરવામાં આવી છે.

મહેસૂલી તલાટીઓની સામૂહિક બદલી
બીજી તરફ, મહેસૂલી તલાટી સંવર્ગમાં પણ મોટા પાયે ફેરફાર જોવા મળ્યા છે. પ્રવર્તમાન ઠરાવો અને પરિપત્રોની સૂચનાઓને ધ્યાને રાખીને વિવિધ કલેક્ટર કચેરીઓ હેઠળ ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓની સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલી મંજૂર કરવામાં આવી છે.

આ યાદીમાં તાપી, જૂનાગઢ, પંચમહાલ અને અરવલ્લી જેવા જિલ્લાના તલાટીઓનો સમાવેશ થાય છે, જેમને અમદાવાદ, અમરેલી અને પાટણ જેવા જિલ્લાઓમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તાપી જિલ્લાના મહાવીરસિંહ વાઘેલાની અમદાવાદ અને જૂનાગઢના જયદીપસિંહ ઝાલાની અમરેલી ખાતે બદલી કરાઈ છે.

હાલના જિલ્લાઓમાં સીધી ભરતીથી નવા મહેસૂલી તલાટીઓની ફાળવણી થયા બાદ જ આ બદલી થયેલા કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવશે. આ નિર્ણયથી મહેસૂલી તંત્રમાં કાર્યક્ષમતા વધશે અને કર્મચારીઓની સામાજિક અનુકૂળતામાં પણ વધારો થશે તેવું મનાઈ રહ્યું છે.