Bharuch News: ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં મહેસૂલી સેવાઓ વધારે પારદર્શક, ઝડપી અને સરળ બનાવવા માટે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 15 નવા રેવન્યુ તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને જમીન અને મહેસૂલ સંબંધિત પ્રશ્નો માટે હવે તાલુકા મથક સુધી વારંવાર ધક્કો ખાવો નહીં પડે. સ્થાનિક સ્તરે જ અરજીઓનો નિકાલ ઝડપથી થવાથી ગ્રામજનોના સમય અને નાણાં બનેની બચત થશે.
અંકલેશ્વરમાં 15 નવા તલાટીઓની નિમણૂક
નવા નિમણૂક પામેલા 15 રેવન્યુ તલાટીઓમાંથી 5 તલાટીઓને ખાસ કરીને જમીન માપણીની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે બાકીના 10 તલાટીઓને અંકલેશ્વર તાલુકામાં વિવિધ ગામોમાં સ્વતંત્ર ચાર્જ આપવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી ગ્રામ પંચાયત સ્તરે જ મહેસૂલી કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી સ્થાનિક ગ્રામીણોને ઘર આંગણે જ સરકારી યોજના અને જમીન મહેસૂલ સંબંધિત સેવાનો લાભ મળશે.
મામલતદારે તમામ તલાટીઓને આપી સૂચના
અંકલેશ્વર તાલુકાના મામલતદાર રાજન વસાવાએ તમામ નવનિયુક્ત તલાટીઓને તેમના નિર્ધારિત જોબકાર્ડ પ્રમાણે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવાની સ્પષ્ટ સૂચના આપી છે. નિયમિત અને નિશ્ચિત દિવસોમાં સંબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહીને અરજદારોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. આ વહીવટી સુધારાથી મહેસૂલી પ્રક્રિયાઓમાં થતો બિનજરૂરી વિલંબ અટકશે અને સરકારી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા આવશે.
