Vadodara: શહેરના જળ સંચય અને પાણી પૂરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક વધુ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. પર્યાવરણ પૂરક વિકાસ માટે ‘ગ્રીન બોન્ડ’ લોન્ચ કરીને દેશભરમાં મોડેલ બનેલી પાલિકા હવે આગામી ચાર માસમાં રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
લાંબા સમયની કવાયત અને તકનીકી અભ્યાસ બાદ આ બોન્ડનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ શહેરની પાણી સંબંધિત સમસ્યાઓનો દીર્ઘકાલીન અને ટકાઉ ઉકેલ લાવવાનો છે.
વડોદરા શહેરની વસ્તી સતત વધી રહી છે અને તેના અનુસંધાને આગામી 25 વર્ષ માટેની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મોટા પાયે રોકાણ જરૂરી બન્યું છે. અત્યાર સુધી બજેટ આધારિત વિકાસ પર નિર્ભર રહેનારી પાલિકાએ હવે મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી બજારમાંથી ભંડોળ એકત્ર કરવાનો નવો અને પ્રગતિશીલ અભિગમ અપનાવ્યો છે.
આ બ્લ્યુ બોન્ડથી એકત્ર થનારા રૂ. 200 કરોડનો ઉપયોગ વોટર વર્ક્સના આધુનિકીકરણ, નવી પાણીની ટાંકીઓનું નિર્માણ, જૂની અને લીકેજવાળી પાઈપલાઈન બદલવા તેમજ મોટા જળ સંચય પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લ્યુ બોન્ડના ડ્રાફ્ટમાં પર્યાવરણ સંરક્ષણ અને પાણીના ટકાઉ ઉપયોગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમાં વરસાદી પાણીના સંગ્રહ, તળાવો અને નદીકાંઠાના પુનઃઉદ્ધાર તેમજ પાણીના પુનઃઉપયોગ જેવી યોજનાઓનો સમાવેશ થવાની સંભાવના છે. આગામી 120 દિવસની અંદર આ બોન્ડને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગ્રીન બોન્ડને મળેલા સારા પ્રતિસાદ અને રોકાણકારોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રને આશા છે કે બ્લ્યુ બોન્ડ પણ સફળ સાબિત થશે. આ બોન્ડ દ્વારા માત્ર પાણી પુરવઠા નહીં પરંતુ ગંદા પાણીના શુદ્ધિકરણ અને રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સને પણ આર્થિક બળ મળશે.
કેમ ખાસ છે ‘બ્લ્યુ બોન્ડ’?
સામાન્ય રીતે ગ્રીન બોન્ડ પર્યાવરણ માટે હોય છે, જ્યારે બ્લ્યુ બોન્ડ ખાસ કરીને જળ સંસાધનોના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે હોય છે. આ પહેલથી વડોદરા દેશના જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર બનશે, ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થશે અને નાગરિકોને શુદ્ધ તથા પૂરતા દબાણવાળું પાણી ઉપલબ્ધ થશે.
