Gandhinagar: ઓનલાઈન ધમકી અને ફ્રોડ માટે OTP પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ચાલતું હતું નેટવર્ક

બન્ને આરોપીઓએ વેબસાઇટ્સ બનાવી હતી, જેના દ્વારા વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને OTP માત્ર 15 થી 25 રૂપિયામાં પ્રોવાઇડ કરવામાં આવતા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 10:53 PM (IST)Updated: Tue, 27 Jan 2026 10:53 PM (IST)
cid-crime-gujarat-busts-caas-module-2-held-from-gwalior-for-providing-virtual-numbers-to-scammers
HIGHLIGHTS
  • બેંક ખાતામાં 17.54 લાખના નાણાંકીય તેમજ 20 લાખના ક્રિપ્ટો કરન્સીના વ્યવહારો મળ્યા

Gandhinagar: વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓને ડામવા માટે પોલીસ મહાનિદેશક (CID ક્રાઈમ અને રેલ્વે) ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે.

સાયબર ગુનેગારોને ધમકીભર્યા ફોન, ઈ-મેઈલ અને છેતરપિંડી કરવા માટે વર્ચ્યુઅલ નંબર તથા OTP પૂરા પાડતા “Cyber Crime as a Social Service (CaaS)” મોડ્યુલના બે આરોપીઓની ગ્વાલિયર, મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

જેમની ઓળખ અબ્દેશ મહેતાબસિંહ રાવત (23) અને શિવમ કપ્તાન સિંહ રાવત (18) તરીકે થઈ છે. આ બન્ને આરોપીઓ અન્ય સહ-આરોપીઓ 'કેન્ડી ઉર્ફે બિટ્ટુ' અને 'સોનું ઉર્ફે જતિન ત્રિપાઠી' સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હતા.

મોડસ ઓપરેન્ડી: ‘CaaS’ (Cyber Crime as a Social Service)
આરોપીઓએ OTPBUY.COM અને OTPCHINA.SOLUTION નામની વેબસાઈટ બનાવી હતી. આ સાથે જ ટેલિગ્રામ ચેનલો (@otpbuycom અને @otpbuysupport) દ્વારા તેઓ સાયબર અપરાધીઓને માત્ર રૂ. 15 થી 25 માં વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને OTP પૂરા પાડતા હતા. આ સર્વિસનો ઉપયોગ કરીને ગુનેગારો વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર છેતરપિંડી અને લોકોને ધમકી આપવાના ગુના આચરતા હતા.

તપાસમાં થયેલા ખુલાસા અને મુદ્દામાલ
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતામાંથી રૂ. 17,54,265/ ના નાણાકીય વ્યવહારો અને આશરે રૂ. 20,00,000/- ના USDT (ક્રિપ્ટોકરન્સી) ના વ્યવહારો મળી આવ્યા છે.

જ્યારે આરોપીઓએ કુલ 7 વેબસાઈટ વિદેશી સર્વરો પર હોસ્ટ કરાવી હોવાનું ખુલ્યું છે. હાલ તો પોલીસે આરોપીઓના 04 મોબાઈલ ફોન, 11 UPI ID અને 2 ક્રિપ્ટો વોલેટ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.