Gandhinagar: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ગાંધીનગર ખાતે આગામી તા. 29 મેથી 2 જૂન, 2026 દરમિયાન ‘ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ’ યોજાનાર છે.
આ અંગે આયોજિત પત્રકાર પરિષદમાં RRUના ઉપ કુલપતિ ડૉ. કલ્પેશ વાંડ્રાએ વિગતો આપતાં જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશનાં ૨૫ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે બે હજાર જેટલા ખેલાડીઓ સામેલ થાય તેવો અંદાજ છે.
તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઑફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સબ-જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરુષ સ્પર્ધકો ભાગ લેશે. આ સીમાચિહ્નરૂપ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ તા. 30 મે, 2026ના રોજ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-2029માં અમદાવાદ-ગુજરાતમાં યોજાનારી 'વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ'ની વિવિધ 8 જેટલી રમતો RRU ખાતે યોજાવાની છે, જે માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે.
યુનિવર્સિટીની આ સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તથા રાષ્ટ્રીય અને વૈશ્વિક રમતગમત ઇકોસિસ્ટમમાં ગુજરાતના વધતા યોગદાનને વેગ આપવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ આયોજન પાછળ 2036ની ઓલિમ્પિક રમતોના યજમાનપદ માટે અમદાવાદ-ગુજરાતની મજબૂત દાવેદારી માટેનું વિઝન પણ જોડાયેલું છે.
ભારતની રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને RRU દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પત્રકાર પરિષદમાં પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઈન્ડિયા (PAFI)નાં અધ્યક્ષા પ્રીતિ ઝાંગિયાની અને ‘પ્રો પંજા લીગ’ના માલિક પ્રવીણ દબાસ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધર્મેશ પ્રજાપતિ, યશ શર્મા, આર્મ રેસલિંગ એસોસિએશન ઑફ ગુજરાત (ASAG)ના મંત્રી રાજેન્દ્ર પરમાર અને મયંક પટેલ સહિત વિવિધ સ્ટેક હોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
