દિલજીતના કોન્સર્ટ માટે અમદાવાદ મેટ્રોના સમયમાં વધારો, જાણો 21 નવેમ્બર માટેનું નવું સમયપત્રક

વધારેલા સમયગાળા દરમિયાન મુસાફરી કરનારા યાત્રીઓ માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ પ્રવેશ મેળવી શકશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 20 Nov 2026 05:45 PM (IST)Updated: Fri, 20 Nov 2026 05:45 PM (IST)
ahmedabad-gandhinagar-metro-extended-timings-diljit-dosanjh-concert-november-21

Ahmedabad Diljit Dosanjh Concert 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 21 નવેમ્બર, શનિવારના રોજ યોજાનાર આ લાઈવ કોન્સર્ટમાં હાજરી આપનાર મુસાફરોની સુવિધા અર્થે અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોર પર 21 નવેમ્બરની રાત્રે 11:30 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ લંબાવવામાં આવશે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું નવું સમયપત્રક

  • અમદાવાદ કોરિડોર પર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી કોટેશ્વર રોડ રૂટ પર રાત્રે 11:30 વાગ્યા સુધી મેટ્રો સેવા કાર્યરત રહેશે.
  • ગાંધીનગર કોરિડોર પર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 10:30 વાગ્યે, 11:00 વાગ્યે અને 11:30 વાગ્યે 3 વધારાની ટ્રિપ દોડાવવામાં આવશે.

અમદાવાદ કોરિડોર પર છેલ્લી મેટ્રો ટ્રેન રાત્રે 11:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ઉપડશે અને તમામ કાર્યરત સ્ટેશનો સુધી સેવા આપશે. તેવી જ રીતે, ગાંધીનગર કોરિડોર પર પણ છેલ્લી મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર માટે રાત્રે 11:30 વાગ્યે ઉપડશે.

માત્ર બે સ્ટેશનથી મળશે પ્રવેશ, સ્ટોપેજ ક્યાં હશે?

વિસ્તૃત સમયગાળા દરમિયાન મુસાફરી કરનારા યાત્રીઓ માટે પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ મેળવી શકાશે. મુસાફરો આ નિયુક્ત સ્ટેશનથી અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરના કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે.

ટિકિટ માટેના નિયમો: 50 રૂપિયાની પેપર ટિકિટ

મુસાફરોની પરત મુસાફરી સરળ બનાવવા માટે GMRC દ્વારા પ્રતિ વ્યક્તિ ₹50 કિંમતની વિશેષ પેપર ટિકિટ શરૂ કરી છે, જે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી બંને કોરિડોર પરના કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી મુસાફરી માટે માન્ય રહેશે. કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, GMRC ટ્રાવેલ કાર્ડ્સ, NCMC કાર્ડ્સ, QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સહિતની નિયમિત ટિકિટ રાત્રે 11:00 વાગ્યા સુધી નિયમિત ભાડામાં ઉપલબ્ધ રહેશે.

જોકે, કિયોસ્ક, ટિકિટ વેન્ડિંગ મશીન, કાઉન્ટર અથવા મોબાઈલ એપ દ્વારા પરત મુસાફરી માટે અગાઉથી ખરીદેલી ટિકિટ રાત્રે 11:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં. રાત્રે 11:00 કલાક પછી અને લંબાવવામાં આવેલ સમયગાળા દરમિયાન મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશ માટે માત્ર ₹50 ની પેપર ટિકિટ જ સ્વીકારવામાં આવશે.