ગાંધીનગરમાં કૉલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીનો આપઘાત, દુપટ્ટો પંખામાં બાંધીને ફંદો બનાવ્યા બાદ લટકી ગઈ

વિદ્યાર્થિનાના આપઘાતની સમગ્ર ઘટના CCTVમાં કેદ. શિવાની ક્લાસરૂમમાં બેન્ચ પર ચડી ગઈ અને દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો. આજથી શરૂ થતી પરીક્ષાના તણાવમાં પગલું ભર્યાનું અનુમાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Jan 2026 05:06 PM (IST)Updated: Thu, 22 Jan 2026 05:06 PM (IST)
gandhinagar-news-college-student-commit-suicide-in-classroom
HIGHLIGHTS
  • પાટણના રાધનપુર તાલુકાની સાનિયાતર ગામની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું

Gandhinagar: ગાંધીનગરમાં કોલેજના ક્લાસરૂમમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીના આપઘાતના બનાવથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વિદ્યાર્થિની બેન્ચ પર ચડીને દુપટ્ટા વડે પંખામાં ફંદો બનાવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાનિયાતર ગામની વતની શિવાની આહીર (19) ગાંધીનગરના સેક્ટર-7માં આવેલ જે.એમ.ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને FYBAનો અભ્યાસ કરતી હતી.

ગઈકાલે 21 જાન્યુઆરીના રોજ શિવાની ગુમ થઈ ગઈ હતી. જેના પગલે કોલેજ વહીવટી તંત્ર અને સિક્યુરિટી દ્વારા હોસ્ટેલ અને કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી હતી. જો કે શિવાનીની કોઈ ભાળ ના મળતા આખરે તેના પરિવારને તેમજ સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ મામલે સેક્ટર-7 પોલીસની ટીમ દ્વારા પણ લાપત્તા વિદ્યાર્થિનીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કોલેજના ક્લાસરૂમમાંથી વિદ્યાર્થિનીનો પંખા સાથે દુપટ્ટા વડે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતક વિદ્યાર્થિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તપાસ હાથ ધરી છે.

હજુ સુધી શિવાનીના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. જો કે આજથી કૉલેજમાં પરીક્ષા શરૂ થવાની હોવાથી વિદ્યાર્થિની તણાવમાં હોવાથી તેણે ક્લાસરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે વિદ્યાર્થિનીની સહેલીઓ અને પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાર્યવાહી કરી છે.