Gujarat Food Safety Update: કેટલાક લેભાગુ તત્વો દ્વારા નજીવો નફો રળવા માટે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આમ છતાં ઘણીવાર નકલી પનીર, નકલી મસાલા કે નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપાતી હોય છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આવા લેભાગુ તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે.
પેકિંગવાળા મસાલાનો જ ઉપયોગ કરવાનો આદેશ
હકીકતમાં ગુજરાત સરકાર દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત કોઈપણ રેસ્ટોરન્ટ, હોટલ કે ખાણીપીણીની લારીના ધારકે ગ્રાહક જોઈ શકે તે રીતે બોર્ડ મારવું પડશે. આ બોર્ડમાં રસોઈમાં વાપરવામાં આવેલા ઘી, તેલ સહિત કુકિંગ મીડિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના વિશે જણાવવું પડશે.
આવી જ રીતે લુઝ મસાલાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવેથી રેસ્ટોરન્ટ કે હોટલના સંચાલકો માત્ર પેકિંગવાળા મસાલા જ વાપરી શકશે. જો કોઈ નવા નિયમોનો ભંગ કરતા જણાશે, તો તેવા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બજારમાં છૂટક મળતા દળેલા મસાલામાં ઘણીવાર લાકડાનો વહેર, સ્ટાર્ચ અને કુત્રિમ રસાયણોની ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી હતી. આવા મસાલાથી બનેલી વાનગી આરોગવાથી લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધી શકે છે.
હોટલ, રેસ્ટોરન્ટ કે લારી ધારકો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે ચેડા કરતા હતા?
પામોલિન કે કપાસિયાનો ઉપયોગઃ ઘણી જગ્યાએ ગ્રાહકોને સીંગતેલ કે સનફ્લાવર કુકિંગ ઑઈલમાંથી બનેલ વાનગી પીરસવામાં આવતી હોવાનું જણાવીને મોટી રકમ પડાવી લેવામાં આવતી હોય છે. જો કે સંચાલકો સીંગતેલ કે સનફ્લાવરની જગ્યાએ સસ્તા પામોલિન અને કોટનસીડ ઑઈલનો ઉપયોગ કરતા હોય છે.
માખણની જગ્યાએ ફેટ સ્પ્રેડ: ઘણી જગ્યાએ બટર ઢોસા, બટર દાબેલી, બટર સેન્ડવીચ અને બટર પાઉભાજીમાં ગ્રાહકોને માખણના બદલે સસ્તુ માર્જરિન ખવડાવાય છે. જે લાંબા ગાળે હ્રદયની નસોને બ્લોક કરવાનું કારણ બની શકે છે.
ચીઝમાં પણ ભેળસેળ: ઘણી જગ્યાએ પિત્ઝા અને સેન્ડવીચ સહિતના જંકફૂડમાં વાપરવામાં આવતું ચીઝ ભેળસેળિયું હોય છે. જેમાં દૂધમાંથી બનેલા ચીઝની જગ્યાએ વનસ્પતિ તેલમાંથી બનેલું ચીઝ એનાલોગ વાપરવામાં આવે છે. જે પણ વ્યક્તિના આરોગ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
