Ahmedabad: આંખો આંજી નાંખતી ચમકતી હેડલાઈટ સામે સઘન ઝૂંબેશ, વાહન વ્યવહાર વિભાગ સ્પેશિયલ ડ્રાઈવ યોજશે

પોશ વિસ્તારના નબીરાઓમાં કંપની દ્વારા ફિટ કરવામાં આવેલી હેડલાઈટ હટાવીને તીવ્ર પ્રકાશ ફેંકતી વ્હાઈટ LED લાઈટ લગાવવાનો ક્રેઝ. જેના કારણે અકસ્માત થવાનો ભય વધ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Jan 2026 04:04 PM (IST)Updated: Thu, 22 Jan 2026 04:04 PM (IST)
ahmedabad-news-intensive-action-against-blinding-headlights-vehicle-traffic-department-will-organize-a-special-drive
HIGHLIGHTS
  • RTOનો સ્ટાફ રાતના સમયે પણ રોડ પર ઉતરીને પકડશે

Ahmedabad: ગુજરાતના અમદાવાદ, સુરત સહિત સમગ્ર દેશભરમાં 40 ટકા અકસ્માત રાતના સમયે જ થતા હોય છે. જેના મુખ્ય કારણોમાં આંખો અંજાઈ જાય તેવી વ્હાઈટ LED લાઈટ મુખ્ય છે. જો કે હવે સફેદ લાઈટવાળા કાર ચાલકો સામે વાહન વ્યવહાર વિભાગે કડક કાર્યવાહી કરવાનું મન મનાવી લીધુ છે.

જો ગુજરાતની વાત કરીએ તો, ઘણા વાહન ચાલકો કંપની દ્વારા ફિટ કરવામાં આવતી લાઈટ્સ હટાવીને ગેરકાયદેસર રીતે સામેવાળાની આંખો અંજાઈ જાય તેવી LED લાઈટ નંખાવી રહ્યા હોવાની ફરિયાદો મળતા વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતભરમાં અનધિકૃત અતિ તીવ્રતાવાળી વ્હાઇટ LEDની હેડલાઇટ ધરાવતા તમામ પ્રકારના વાહનો સામે સઘન ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવા RTO તંત્રને હુકમ કર્યો છે.

પોશ વિસ્તારના નબીરાઓમાં કારમાં તીવ્ર પ્રકાશ ફેંકતી હેડલાઈટ નંખાવવાનો ક્રેઝ

અમદાવાદના સિંધુ ભવન અને એસ.જી હાઈવે સહિત રાજ્યના અલગ-અલગ શહેરોના પોશ વિસ્તારોમાં લક્ઝુરિયસ કારોમાં અનધિકૃત વ્હાઈટ LED લાઈટ અને વધુ તીવ્રતાવાળા હેડ લેમ્પનો ક્રેઝ વધી રહ્યો છે. જેના કારણે અન્ય વાહન ચાલકોને તકલીફ પડવા સાથે આંખો અંજાઈ જવાના કારણે અકસ્માત થવાની ભીતિ રહે છે. આ મામલે અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી.

જેના પગલે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તમામ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને કચેરીઓને અનધિકૃત વ્હાઇટ લાઇટ સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે. આ ફરિયાદને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા આંખો આંજી નાંખતી અનધિકૃત LED લાઈટ ફિટ કરનારા વાહનો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે RTO સ્ટાફ રાતના સમયે પણ રોડ પર ઉતરશે અને સઘન ચેકિંગ હાથ ધરશે. જેમાં કોઈ વાહનની હેડલાઈટ નિયમ કરતાં વધુ તીવ્રતા ધરાવતી અને ગેરકાયદેસર જણાશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.