મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ લિજ્જત પાપડ, વાર્ષિક ટર્નઓવર રૂ. 6 હજારથી વધીને આજે રૂ. 1600 કરોડે પહોંચ્યુ

Gandhinagar News: લિજ્જત પાપડની ભારતના 18 રાજ્યોમાં 88 શાખાઓ છે. લિજ્જત પાપડે 50 હજાર કરતા પણ વધુ મહિલાઓને બનાવી આત્મનિર્ભર બનાવી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 02 Aug 2023 06:29 PM (IST)Updated: Wed 02 Aug 2023 06:31 PM (IST)
gandhinagar-news-classic-example-of-women-empowerment-is-lijjat-papad-an-annual-turnover-of-rs-6-thousand-to-rs-1600-crore-reached-173108

Gandhinagar News: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહિલા સશક્તીકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો. જેમાં ‘ઇન્ડિયા@75:મહિલાઓનું યોગદાન’ થીમ આધારિત પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ તરીકે જાણીતા લિજ્જત પાપડનો પણ સ્ટોલ છે. મહિલાઓ દ્વારા સંચાલિત લિજ્જત પાપડ સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂ. 6 હજારથી વધીને આજે રૂ. 1600 કરોડે પહોંચ્યુ છે.

તમે ટીવીમાં ક્યારેક તો પાપડ ખાઈ રહેલા સસલાવાળી લિજ્જત પાપડની જાહેરાત તો જોઈ જ હશે. લિજ્જત પાપડે હજારો નાગરિકોના દિલમાં રાજ કરવાની સાથે હજારો મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી છે. જસવંતીબેન જમનાદાસ પોપટે માત્ર 80 રૂપિયા અને માત્ર 7 મહિલાઓની મદદથી લિજ્જત પાપડ કો-ઓપરેટિવની શરૂઆત કરી હતી. 80 રૂપિયા શરૂ થયેલી લિજ્જત પાપડ કો-ઓપરેટિવ આજે 1600 કરોડથી વધુ ટર્નઓવર ઘરાવતી કંપની બની ગઈ છે.

વર્ષ 1959માં દક્ષિણ મુંબઈમાં 7 મહિલાઓએ સાથે મળીને લિજ્જત પાપડનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હતું. આ મહિલાઓમાં મુખ્ય હતાં જસવંતી જમનાદાસ પોપટ. ગુજરાતીમાં સ્વાદિષ્ટને લિજ્જત કહેવાય છે માટે આ પાપડનું નામ લિજ્જત રાખવામાં આવ્યું. શરૂઆતમાં તો મહિલાઓ ગુજરાતી હતી પણ પછી બિઝનેસ વધતો ગયો તેમ-તેમ અન્ય મહિલાઓ પણ તેમાં જોડાતી ગઈ અને આજે લિજ્જત પાપડ કો-ઓપરેટિવે 50 હજાર કરતા પણ વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.

પ્રથમ વર્ષે પાપડના આ બિઝનેસમાં 80 રુપિયાના રોકાણથી મહિલાઓને ૬૧૯૬ રૂપિયાની કમાણી થઈ હતી. જે આજે 1600 કરોડ રૂપિયાની વેલ્યુને પણ પાર કરી ગયો છે. જસવંતીબેન અને તેમના મિત્રોએ સૌપ્રથમ 4 પેકેટની બેચ બનાવી એક વેપારીને વેચી. ત્યારે આ કામ 7 મહિલાઓની ભાગીદારીથી ચાલી રહ્યું હતું. આ કામ આગળ વધતા તેમના ગ્રુપનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું. 1962માં તેનું નામ બદલીને લિજ્જત પાપડ કરવામાં આવ્યું. આ પાપડ ભારતના દરેક ખૂણે વેચાય છે અને તેની 18 રાજ્યોમાં 88 શાખાઓ છે. તે દેશની બહાર અમેરિકા, સિંગાપોર, યુકે, થાઈલેન્ડ અને નેધરલેન્ડ જેવા દેશોમાં પણ વેચાય છે.

લિજ્જત પાપડે સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. અત્યારે લિજ્જત પાપડની કો-ઓપરેટિવ મૂવમેન્ટમાં 50 હજારથી પણ વધારે મહિલાઓ છે. જેઓ આ બિઝનેસ ચલાવે છે. આજે પણ લિજ્જત પાપડ મશીનો પર ઓછું અને હાથથી તૈયાર થતા પાપડ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી મહિલાઓને મદદ થઈ શકે. લિજ્જત પાપડને વર્ષ 2002માં ઈકોનોમિક ટાઈમ્સનો બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ2016-17માં લિજ્જત પાપડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહિલા વિકાસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.